સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

રંઘોળા અકસ્માત પ્રકરણઃ ડ્રાઇવર જેલહવાલેઃ ટ્રક માલિક પરેશ કુવાડીયાની ધરપકડ

ભાવનગર તા.૧૪: ગોઝારા રંઘોળા અકસ્માતમાં હતભાગી ૩૯ વ્યકિતના મોતથી ઘટનાના આરોપી ટ્રકચાલકના રિમાન્ડ પુર થતાં કોર્ટમાં રજુ કરતાં અદાલતે આરોપીને જેલહવાલેનો હુકમ કરતાં જેલમાં મોકલી દેવાયો હતો જયારે ટ્રકમાલિકની પણ પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અનીડા ગામના વિજયભાઇ પ્રવીણભાઇ વાઘેલાની જાન ટ્રકમાં ગઢડાના ટાટમ ગામે જવા નીકળી હતી. દરમિયાનમાં ઉમરાળાના રંઘોળા નજીક પુલ પરથી અકસ્માતે જાનૈયા ભરેલી ટ્રક નીચે ખાબકતા ૩૧ના સ્થળ પર મોત નીપજયાં હતા. જયારે ઇજાગ્રસ્તના સારવાર દરમ્યાન મોત નીપજતાં અત્યાર સુધીમાં ૩૯ના મોત થયા છે આ રકતરંજિત અકસ્માતના ગુનામાં ઉમરાળા પોલીસે આરોપી નાસતાફરતાં ટ્રકચાલક નીતિનભાઇ વાઘેલા (રહે. અનીડા, તા.પાલિતાણા) વિરૂધ્ધ ગુનો દાખલ કર્યા બાદ બનાવના ચારેક  દિવસ બાદ તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી પૂછતાછ હાથ ધરી હતી.

આ રીમાન્ડ દરમ્યાન આરોપી નિતીન વાઘેલાએ એવી કબૂલાત કરી હતી કે, ગોઝારા અકસ્માત બાદ આરોપી નાળા નજીક પાર્ક કરેલી મોટર સાઇકલ લઇને નાસી છૂટયો હતો અને ભાગતો ફરતો હતો. આરોપી ટ્રકચાલક નીતિન વાઘેલાના રિમાન્ડ પુરા થતા કોર્ટહવાલે કરવામાં આવતાં અદાલતે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં ઉમરાળા પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો.

આ જીવલેણ દુર્ઘટનામાં લાયસન્સ વગરના ડ્રાઇવર નીતિન વાઘેલાને પોતાની ટ્રક ચલાવવા આપવા ઉપરાંત એમવી એકટની વધુ પાંચ કલમ તળે અને મદદગારીની કલમ ૧૧૪ હેઠળ ગુનો નોંધી ટ્રકમાલિક પરેશ દેવાભાઇ કુવાડીયા (ઉ.વ.૩૯, રહે.નેસડા, તા.સિહોર)ને પણ પોલીસે ઝડપી લીધો છે.

(4:42 pm IST)