સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

જાનના જોખમે જુનાગઢ આરઆરસેલના બે પોલીસ કર્મીએ હદપારી કોર્પોરેટરને ઝડપી લીધો

જુનાગઢ તા.૧૪: પોલીસની ફરજ પ્રથમથી જોખમી અને પડકાર જનક છે ત્યારે જુનાગઢ આર આર સેલના બે પોલીસ કર્મીએ જાનના જોખમે અને ૨૦૦ લોકોના ટોળાનો પણ ડર રાખ્યા વગર હદપારી કોર્પોરેટરને ઝડપી લઇ પ્રસંશનીય ફરજ બજાવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢના વોર્ડ નં.૩ના કોર્પોરેટર ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર અબ્દુલ રજાક કુરેશીએ હત્યાનો પ્રયાસ કર્યો હોય આથી તેને જુનાગઢમાં ન પ્રવેશવાની શરતે જામીન મળેલ.

આમ છતાં હદપારીનો ભંગ કરી ઇબ્રાહીમ કુરેશ જુનાગઢના સુખનાથ ચોકમાં તેવી પોતાની ઓફિસે બેઠો હોવાની બાતમી આઇજીપી ડો.રાજકુમાર પાંગેપનને બાતમી મળતા તેમની સુચનાથી આર આર સેલના એએસઆઇ એસ એમ.દેવરે, કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ વાઘેલા અને રણજીતસિંહ ઝાલા વગેરે ઘસી ગયા હતા.

પરંતુ પોલીસ કાફલાને જોઇને ઇબ્રાહીમ કુરેશીએ લાજવાને બદલે ગાજી અને પોતાને પોલીસ વાળા ખોટી રીતે પકડવા આવ્યા છે તેવા બુમબરાડા પાડીને લોકોને એકઠા કર્યા હતા.

આ દરમ્યાન ૨૦૦ લોકોના ટોળા પૈકીના ૨૦ થી ૨૫ શખ્સોએ પોલીસને ધકકે ચડાવી હતી અને ઇબ્રાહીમે નાસી જવાની કોશિષ કરી હતી.

દરમ્યાનમા પોલીસ કર્મી. ગિરીરાજસિંહ વાઘેલા અનવે એસ.એમ.દેવરે સહિતના પોલીસ સ્ટાફે ત્વરિત ગતિથી ઇબ્રાહીમને ઝડપી લઇ પોલીસ વાનમા નાખી દીધો હતો.

આમ આર.આર.સેલના કાફલાએ જાનની પરવા કર્યા વગર ફરજ બજાવતા તેમની ચોમેરથી પ્રસંશા થઇ રહી છે.

(4:40 pm IST)