સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

જુનાગઢના સાંકળીમાં તા.ર૪ થી ત્રણ દિ સુધી સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

આયોજન અંગે પૂ.કોઠારી સ્વામીએ તલસ્પર્શી માહિતી પુરી પાડી

જુનાગઢ તા.૧૪: જુનાગઢથી જેતપુર રોડ પર આવેલ સાંકળી ખાતે તા.ર૪ થી ર૬ સુધી ત્રિદિવસીય શ્રી સ્વામીનારાયણ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.

આ કાર્યક્રમ અંગે અકિલાને વિગતો આપતા કોઠારી સ્વામીવિવેકસાગરદાસજીએ જણાવ્યું હતું કે આ ધર્મોત્સવમાં ભગવાન સ્વામીનારાયણની નગરયાત્રા યજ્ઞ મુર્તિ પ્રતિષ્ઠા અન્નકુટોત્સવ તેમજ સ્કુલનું લોકાપર્ણ અને સવજીભાઇ કોરાટની પ્રતિમાનું અનાવરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શનીય સંતો ઉપસ્થિત રહેશે તેમજ સાંકળી ખાતે નવનિર્મીત સ્કુલનું રાજયના મુ.મંત્રીવિજયભાઇ રૂપાણી તેમજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે.

જેતપુર નજીકના સાંકળી ગામે સ્વામિનારાયણ આશ્રમ તિર્થધામ ખાતે આગામી તા.ર૪ના રોજ બપોરે ૩-૩૦ કલાકે કથા પ્રારંભ થશે તેમજ રાત્રે કિર્તીદાન ગઢવી બિરજુ બારોટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. તા.રપના રોજ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને તા.ર૬ના રજ કથાની પુર્ણાહુતિ થશે.

શિક્ષણ એ સમાજ સુધારવા માટે મહત્વનું પાસુ છે તેવા સાંકળી સ્વામિનારાયણ આશ્રમ તિર્થધામ ખાત નવનિર્મીત નિલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને મુ.મંત્રી  વિજયભાઇ રૂપાણી સંતો મહંતોની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરશે.

આ સંકુલ ખાતે છોટે સરદાર નામે પ્રસિધ્ધ સ્વ સવજીભાઇ કોરાટની પ્રતિમાનું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે અનાવરણ કરવામાં આવશે. દરમ્યાન સભાનું સંચાલન વંથલી સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સ્વરૂપ સ્વામી અને મેંદરડાના શાસ્ત્રી સ્વામી ભકિતપ્રકાશદાસજી કરશે અને કાર્યક્રમમાં  રાજકોટ ગુરૂકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી અને જામનગરના સદ્દગુરૂ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી આ પ્રસંગે ઉદ્દબોધન કરશે જયારે વ્યાસપીઠ પર બિરાજી જામજોધપુરના શાસ્ત્રી રાધારમણસ્વામી કથાનું રસપાન કરાવશે. આ ત્રિદિવસીય ધર્મોત્સવનો લાભ લેવા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અનુરોધ કરેલ છે.

(12:09 pm IST)