સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં માસિક ધર્મની તપાસ મુદ્દે ચાર વિરુદ્ધ ફરિયાદ: વિદ્યાર્થીનીઓ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે પહોંચી

પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ તટસ્થ કાર્યવાહીની વાત દોહરાવી

ભુજના મિરઝાપર રોડ પર સ્વામિનારાયણ મંદીર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અંદાજે 60 છાત્રાઓના માસિક ધર્મની કોલેજના પ્રશાસન દ્વારા વસ્ત્રો ઉતારી તપાસ કરાઈ હતી. આ શરમજનક ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા રાજ્યના મહિલા આયોગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે ભુજ એ-ડિવિઝન પોલીસે સવારે નિવેદન નોંધ્યા બાદ સાંજે 4 સામે ફરિયાદ નોંધી છે છાત્રાઓએ ફરિયાદ લખાવી છે.

સુપરવાઈઝર રમીલાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસે કલમ 384, 355, 506, 509, 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  ગઈકાલે છાત્રાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આજે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ પાછી ખેંચી લેવા પોલીસ મથકે ઉહાપોહ મચાવ્યો હતો. જો કે, પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કર્યા બાદ તટસ્થ કાર્યવાહીની વાત દોહરાવી છે.

ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ સામે આવતા હવે ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. બેઠક બાદ સંસ્થામાં આ પ્રકારનું નિંદનીય કૃત્ય થયુ હોવાનું સ્વીકારવામાં આવ્યુ. આ બેઠક બાદ ટ્રસ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, પ્રિન્સીપાસે ભૂલ સ્વીકારી છે અને આ મામલે તેમણે માફી પણ માગી હતી. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થિનીઓ અને વાલીઓને સાથે રાખીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

(10:36 pm IST)