સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે તપાસ શરૂ : ચાર લોકો સામે નોંધાય ફરિયાદ

પ્રિંસીપાલ, હોસ્ટેલ વોર્ડન ઉપરાંત હોસ્ટેલની બે મહિલા આસિસ્ટેંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ, તા.૧૪ : ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થીનીઓને ક્લાસની બહાર કાઢી કપડાં ઉતારી માસિક ધર્મ અંગે ચકાસણી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં વિવાદ વકરતાં હવે ગુજરાત રાજય મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. આયોગે આ મુદ્દે સુઓમોટો વ્યુ લઇ સમગ્ર પ્રકરણમાં જરૂરી તપાસના આદેશો જારી કર્યા છે. આ સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ ગંભીર નોંધ લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આગામી દિવસોમાં અહીંની મુલાકાત લેશે અને પીડિત વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ તેમની રજૂઆત સાંભળશે. કચ્છમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે રાજય મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. રાજય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, ભુજમાં કંઈપણ થયુ તે નિંદનીય છે.

            મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી છે અને જિલ્લા પોલીસ વડા પાસે તેનો રિપોર્ટ માંગ્યો છે. દીકરીઓ પર થતી જાતીય સતામણી સામે પગલાં લેવાશે. જિલ્લા પોલીસ વડા પાસેથી મહિલા આયોગ દ્વારા રિપોર્ટ માગવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રકરણમાં નારી અદાલતની બહેનોને તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે, ભુજમાં આવેલી સહજાનંદર ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટ દ્વારા વિદ્યાર્થીનીઓને ક્લાસ રૂમમાંથી બહાર કાઢી માસિક ધર્મ અંગે પુછતાછ કરવામાં આવી હતી. પૂછતાછ બાદ વિદ્યાર્થીનીઓને વોશરૂમમાં લઈ જઈ કપડાં ઉતારી માસિક ધર્મમાં છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીનીઓએ ભારે વિરોધ નોંધાવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. તો બીજી બાજુ કચ્છ યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા પણ આ સમગ્ર મામલે આજેકલેક્ટરને પોતાનો તપાસ રિપોર્ટ સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે.

(8:50 pm IST)