સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જામનગરની શાળાઓમાં માતા-પિતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ઉજવાયો

મોટા ભાગની શાળાઓમાં વેલેન્ટાઈન્સ ડેની માતૃ-પિતૃ પૂજન તરીકે ઉજવણી

જામનગર: શહેરની મોટાભાગની શાળાઓમાં આજે ડીઇઓના પરિપત્ર આદેશ મુજબ માતા પિતા પૂજન દિવસની ખુબ સુંદર ઉજવણી કરાઇ છે.

જામનગરની આણદાબાવા સંસ્થા સંચાલિત એસ.વી.એમ સહિતની જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓએ હિન્દુ સંસ્કૃતિ મુજબ પોતાના માતા પિતાનું પૂજન કર્યું અને માતા પિતા પણ ખૂબ મોટી સંખ્યામાં જુદી જુદી શાળાઓમાં ઉપસ્થિત રહ્યા તેમજ આ નિર્ણયને આવકાર્યો હતો.

 વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તેવા શુભ ઉદ્દેશથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રકારનો અનોખો નિર્ણય ખાસ જામનગર માં વેલેન્ટાઇન ડે નિમિતે લેવામાં આવ્યો હતો. જામનગરની જુદી જુદી શાળાઓ અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

જામનગરની જેમ વેલેન્ટાઇન્સ ડેની સુરતની શાળાઓમાં અનોખી ઉજવણી જોવા મળી હતી  રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવવામાં આવેલ પરિપત્ર પ્રમાણે શહેરની તમામ મોટા ભાગની શાળાઓમાં વેલેન્ટાઈન્સ ડેની માતૃ-પિતૃ પૂજન તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં આમંત્રિત વાલીઓની વિદ્યાર્થીઓ દ્વારા પૂજા કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ ઉજવણી પછી વાલીઓ અને શાળા શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી

(1:16 pm IST)