સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

દિલ્હીનાં શાણા મતદારોએ ભાજપની વિભાજનકારી રાજનીતિને ફગાવી દીધીઃ વિરજીભાઇ ઠુંમર

સાવરકુંડલા, તા.૧૪: ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, દિલ્હી વિધાનસભાની ચુંટણીના પરિણામોએ રાજનીતિના કહેવાતા ચાણકયની બોલતી બંધ કરી નાખી છે એટલું જ નહીં મોં બતાવી શકે એવી સ્થિતિ પણ રહેવા દીધી નથી.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, લોકસભા અને રાજયસભામાં વિવાદીત નાગરિકતા સંશોધન કાનુન પાસ કર્યા પછી યોજાયેલ દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી માંડીને ગૃહપ્રધાન અમીતભાઇ શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રના લગભગ તમામ પ્રધાનો અને સેંકડોની સંખ્યામાં સંસદસભ્યોએ બહુ જ આક્રમક પ્રચાર કર્યો, એડી ચોટીનું જોર લગાવ્યું, સરકારી મશીનરીનો બેફામ દૂરૂપયોગ કર્યો, હિન્દુ મતદારોને રાજી રાખવા લદ્યુમતી વિરૂધ્ધ વારંવાર ઝેર ઓકવામાં આવ્યું અને રીતસર નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું પરંતુ રાજનીતિને ખુબ જ નજીકથી જોનારા દિલ્હીના શાણા મતદારોએ ભાજપની વિભાજનકારી રાજનીતિને ફગાવી દીધી છે.

શ્રી ઠુંમરે જણાવ્યું કે, વિવાદીત નાગરિકતા સંશોધન કાનુનના વિરોધમાં શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓના ધરણા-પ્રદર્શનને મુખ્ય મુદ્દો બનાવી સાંપ્રદાયિક મતોનું ધ્રુવીકરણ કરવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું,

સીએએની વાતો એટલી હદ સુધી કરી હતી કે મતદાન મથકમાં દ્બ૫/૦/ટ્ટ નું બટન એટલું જોરથી દબાવશો કે તેનો કરંટ શાહીનબાગ સુધી પહોંચે, દિલ્હી વિધાનસભાની ચુંટણીને પ્રતિષ્ઠાભર્યો ચુંટણી જંગ બનાવી દીધો હતો પરંતુ રાજનીતિને ખુબ જ નજીકથી જોનારા દિલ્હીના શાણા મતદારોએ તમામ વ્યુહરચનાઓને નિષ્ફળ પુરવાર સાબિત કરી છે.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, જમ્મું - કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરતી કલમ ૩૭૦ કલમના એક ઝાટકે નાબુદ કરી શકતી કેન્દ્ર સરકાર શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓના ધરણા - પ્રદર્શનને કારણે રસ્તો બ્લોક થવાથી લાખ્ખો લોકોને દરરોજ વેઠવી પડતી પરેશાનીના ગુસ્સાનો મતના સ્વરૂપમાં લાભ ખાટવા, મોદી સરકાર જાણી જોઇને રાજકીય બદઇરાદાથી ધરણા - પ્રદર્શન પર બેઠેલા લોકોને હટાવતી ન હતી. કેન્દ્ર સરકારની આ ગણતરી પણ ખોટી પુરવાર થઈ છે તેમ ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.(

(1:14 pm IST)