સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

મોરબી પંથકની માનસિક અસ્થિર યુવતિ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ લાભુ ગોહેલ ૧ દિ'ના રિમાન્ડ પર

મોરબી,તા.૧૪: મોરબી નજીકના ગામમાં માનસિક વિકલાંગ યુવતી ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઇ એક શખ્શ ઘરમાં ઘુસ્યો હતો અને યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

મોરબી-વાંકાનેર હાઈવે પરના એક ગામમાં ભોગ બનનાર યુવતી અપંગ અને માનસિક વિકલાંગ હોય જે ગત તા. ૦૭ ના રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ઘરે એકલી હોય જે એકલતાનો લાભ લઈને આરોપી લાભૂભાઈ ઈશાભાઈ ગોહેલ રહે મૂળ ગોંડલ અને હાલ મચ્છોયાનગર, રફાળેશ્વર તા. મોરબી ઘરમાં ઘુસી ગયો હતો અને માનસિક વિકલાંગ યુવતીને ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ઘ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનારનો ભાઈ ગામમાં ગયો હોય અને પરત ફરતા તેને કઢંગી હાલતમાં જોઈ જતા આરોપી નાસી ગયો હતો જે અંગે ભોગ બનનાર યુવતીના ભાઈની ફરિયાદને પગલે મોરબી તાલુકા પીએસઆઈ ડી વી ડાંગરની ટીમે તપાસ ચલાવી હતી અને ભોગ બનનારના કૌટુંબિક બનેવી જ આરોપી હોય જેને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

(1:13 pm IST)