સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ભાવનાબેન ચિખલીયાની જન્મજયંતિ : શ્રદ્ધાંજલી અર્પણ

જુનાગઢ, તા. ૧૪ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જૂનાગઢના સેવાભાવી તબીબ ડો. ડી.પી. ચિખલીયાના ધર્મપત્ની સ્વ. ભાવનાબેન ચિખલીયાનો આજે જન્મદિવસ છે. જેના ઉપલક્ષમાં તેઓને પરિવાર તેમજ વિવિધ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના દેવલકી ગામે સ્વ. સવિતાબેન તથા સ્વ. જમનાદાસ પી. પટેલને ત્યાં તા. ૧૪ ફેબ્રુઆરી ૧૯પપના રોજ જન્મેલા સ્વ. ભાવનાબેન ચિખલીયાનો આજે ૬પમો જન્મ દિવસ છે.

સ્વ. ભાવનાબેન ચિખલીયા આજે હયાત નથી છતાં તેઓએ વિવિધક્ષેત્રે કરેલા કાર્યો અને સેવા આજે પણ ચિરસ્મરણીય છે.

બી.કોમ. એલએલ.બીનો અભ્યાસ કરી એડવોકેટ થયેલા સ્વ. ભાવનાબેને ૧૯૯૧માં ૧૦ લોકસભાની ચૂંટણી લડી હતી. આ પછી તેઓની રાજકીય કારકીર્દી ખૂબ જ ઉજ્જવળ રહી હતી.

જીવન પર્યંત ભાજપમાં રહેલા સ્વ. ભાવનાબેનની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા, વફાદારી અને લોકોની સેવા વગેરેને લઇ તેઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવેલ.

સ્વ. ભાવનાબેનના આજના જન્મ દિવસ નિમિતે તેઓને શ્રદ્ધાંજલી રૂપે ત્રિમૂર્તિ હોસ્પિટલ તથા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા સવારથી વિવિધ સેવાયજ્ઞો ડો. ડી.પી. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવેલ.

ડો. ચિખલીયા સહિત તબીબો, આગેવાનો, અધિકારીઓ વગેરેએ સ્વ. ભાવનાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

(1:07 pm IST)