સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જસદણમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી કિરણ ઉર્ફે જીનીયાને ત્રણ મિત્રોએ છરી ઝીંકી પતાવી દીધો

આઇટીઆઇના છાત્ર કિરણને અગાઉ મિત્ર કિરણ મકવાણા સાથે ડખ્‍ખો થયો'તો : બે દિવસ પહેલા તેને ધમકી પણ અપાઇ'તી : સંજય મકવાણા સકંજામાં : નાના - નાના ઝઘડા વારંવાર થતા, સમાધાન થઇ જતું પણ આ વખતે ડખ્‍ખો ખૂન સુધી પહોંચ્‍યો

હત્‍યાનો ભોગ બનનાર કિરણ મકવાણાનો મૃતદેહ અને નીચેની તસ્‍વીરમાં જ્‍યાં હત્‍યા થઇ તે સ્‍થળ નજરે પડે છે. (તસ્‍વીર : હુસામુદ્દીન કપાસી)

આટકોટ તા. ૧૪ : જસદણના લાતી પ્‍લોટ ગોખલાણા ગામ તરફ જવાના રસ્‍તે આવેલા રીક્ષા સ્‍ટેન્‍ડ પાસે નગરપાલિકાના પૂર્વ સભ્‍યના પૌત્રની તેના જ ત્રણ મિત્રોએ અગાઉ નાની-નાની બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી છરીના ઘા ઝીંકી હત્‍યા થઇ હતી. આ બનાવમાં જસદણ પોલીસે એક શખ્‍સને સકંજામાં લઇ અન્‍ય બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જસદણ આંબેડકરનગર શેરી નં. ૩માં રહેતા રમેશભાઇ ગોરધનભાઇ પરમાર (ઉ.વ.૪૨)એ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને સંતાનમાં ત્રણ પુત્રો છે, મોટો પુત્ર વિશાલ (ઉ.૨૨), જયેશ ઉર્ફે આશિષ (ઉ.૨૦) અને સૌથી નાનો કિરણ ઉર્ફે જીનીયો જે આઇટીઆઇમાં અભ્‍યાસ કરતો હતો. પરમ દિવસે પોતે લાલકા ગામે જાનનું ભાડુ હોઇ જેથી પોતે જસદણની મનીષ ટ્રાવેલ્‍સ લઇને રાત્રે લાલકા ગામે ગયા હતા. ગઇકાલે વહેલી સવારે જાન લઇ બરવાળા ખાતે ગયા હતા. બાદ બપોરે પોતાના મોબાઇલ પર વચેટ પુત્ર જયેશનો ફોન આવેલ અને વાત કરી હતી કે, અનિલ મનુભાઇ મકવાણા, કિરણ ભીખાભાઇ મકવાણા અને સંજય લખુભાઇ મકવાણા તથા જયદીપ અનિલભાઇ પરમાર તથા દિપક અશોકભાઇ પરમારને કિરણ સાથે માથાકુટ થઇ છે અને કિરણને પીઠ પાછળ વાંસાના ભાગે ગંભીર ઇજા થઇ હોઇ, તેને સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયો છે તેમ વાત કરતા પોતે તાકીદે જસદણ સરકારી દવાખાને પહોંચ્‍યા હતા ત્‍યાં પોતાના કૌટુંબિક ભત્રીજા અનિલભાઇ પરમાર તથા દિપક અશોકભાઇ પરમાર પણ દવાખાને દોડી આવ્‍યા હતા. થોડીવાર બાદ પુત્ર કિરણ ઉર્ફે જીનીયાનું સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું.

ત્‍યારબાદ આ બનાવ બાબતે કૌટુંબીક ભત્રીજા જયદિપ પરમાર, દિપક પરમારે પોતાને જણાવ્‍યું હતું કે, ગઇકાલે બપોરે લોહીયાનગર બેઠા પુલ ઘુઘલ છાત્રાલય પાસે અનિલ ઉર્ફે ડી મનુભાઇ મકવાણા, કિરણ ભીખાભાઇ મરવાણા અને સંજય લખુ મકવાણા, દિપક અશોક પરમાર અને જયદીપ પરમાર તથા પોતાના પુત્ર કિરણ સાથે બોલાચાલી અને ગાળાગાળી થતા ઝઘડો થતા આજુબાજુના માણસો ભેગા થઇ જતા કોઇએ તમામને ઝઘડો કરવાની ના પાડતા તેઓ ત્‍યાંથી જસદણ લાતી પ્‍લોટમાં ગોખલાણા રિક્ષા સ્‍ટેન્‍ડ પાસે ગયા હતા અને ત્‍યાં કિરણ ઉર્ફે જીનીયા સાથે જયદીપ અનીલભાઇ પરમાર અને કિરણ ભીખા મકવાણા અને અનિલ મનુ મકવાણા તથા સંજય લખુભાઇ મકવાણા સાથે ઝઘડો થતા કિરણ ઉર્ફે જીનીયાને વાંસાના ભાગે છરીનો એક ઘા ઝીંકી ત્રણેય શખ્‍સો ભાગી ગયા હતા. આ બનાવમાં ભોગ બનનાર કિરણ ઉર્ફે જીનીયા સાથે મિત્ર અનિલ ઉર્ફે ડી મનુભાઇ મકવાણા તથા કિરણ મકવાણા અને સંજય મકવાણા (રહે. જસદણ) ત્રણેય નાની - નાની બાબતે ઝઘડાઓ કરતા હોઇ અને અગાઉ ત્રણેય જણાએ ભોગ બનનાર કિરણ સાથે દિવાળી અને ઉતરાયણના તહેવારમાં ડખ્‍ખો થયો હતો. તે બાબતે સમાધાન પણ થઇ ગયું હતું અને બે દિવસ પહેલા પણ ત્રણેય સાથે બોલાચાલી થઇ હોઇ, તે બાબતનો ખાર રાખી કિરણ ઉર્ફે જીનીયાની હત્‍યા કર્યાનું જણાવ્‍યું હતું. આ બનાવ અંગે જસદણ પોલીસ મથકના પીએસઆઇ એન.એચ.જોષી તથા રાઇટર વિજયભાઇ સહિતના સ્‍ટાફે સંજય લખુભાઇ મકવાણાને સકંજામાં લઇ કિરણ મકવાણા અને અનીલ મકવાણાની શોધખોળ હાથ ધરી છે.

(11:29 am IST)