સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

કિસાન ક્રેડીટ કાર્ડ પર ખેડૂતોને લોન આપવા બેંક અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

ઇણાજ સેવા સદન ખાતે જિલ્લા કલેકટરે લોન કેમ્પ યોજવા જાહેરાત કરી

પ્રભાસ પાટણ,તા. ૧૪: ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે પીએમ કિસાન યોજના અંતર્ગત જુદી જુદી બેંકનાં પ્રતિનિધીઓને અને પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન યોજના અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં ૧૦૯૪૪૩ લાભાર્થીઓ નોંધાયેલા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત અને કિસાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી.) યોજનાનાં લાભ માટે તા. ૧૫ ફેબ્રુઆરીથી તા. ૨૩ ફેબ્રુઆરી સુધી ઝુંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ધરી લાભાર્થીઓને આવરી લેવાશે. રૂ. ૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે અને જો આ લોનની ભરપાઇ ૩૬૫ દીવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે.

ત્રણ લાખ સુધીની લોન માટે આ ઝુંબેશ દરમ્યાન લોન માટેનો ચાર્જ માફ કરવામાં આવશે. આ યોજનાનો સરળ ફોર્મ ભરવા માટે નજીકનાં સી.એસ.સી. સેન્ટર નો સંપર્ક કરવો. તેઓશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો ખેડૂત ખાતેદાર કિસાન ક્રેડીટ કાર્ડ ૯૦ દીવસમાં સ્વાઇપ કરે તો ૨ લાખ સુધીનો આકસ્મીક વિમો ચાલુ રહેશે. કે.સી.સી. નો લાભ ૭-૧૨ ની કોપી અને પાકની વિગત આપવાથી બેંક દ્વારા સરળતાથી આપવામાં આવશે. તેમજ મત્સ્યોદ્યોગ અને પશુપાલનનાં વ્યવ્સાય સાથે સંકળાયેલા લોકોને પણ કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ આપવામાં આવશે.

લીક બેંક મેનેજરશ્રી અશોક વ્યાસે જુદી જુદી બેંકનાં મેનેજર અને પ્રતિનિધીઓને ખાસ જણાવ્યું હતું કે, તા. ૧૫ થી ૨૩ ફેબ્રુઆરી આ કેમ્પ દરમ્યાન મળવાપાત્ર તમામ લાભાર્થીઓને આ યોજનાનો વધુમાં વધુ લાભ આપવો અને કોઇપણ વિસ્તારનાં માપદંડ વગર કોઇપણ બેંકમાં લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માટે આવે ત્યારે તેમને સરળતાથી કિસાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત લોન આપી ગીર-સોમનાથ જિલ્લાનાં લક્ષ્યાંક સિધ્ધ કરવામાં સહભાગી થવું.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહીલ, નાબાર્ડ ડીડીએમશ્રી કિરણ રાઉત, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જુદી જુદી બેંકનાં પ્રતિનિધીઓ સહભાગી થયા હતા.(

(10:03 am IST)