સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

વિદેશ રહેતા પ્રોઢની જામનગરમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડતા ફરિયાદ

દિકરીના પ્રેમીને બેભાન કરી દેતા ૩ શખ્સો સામે ગુન્હો

જામનગર તા.૧૪: અહીં સીટી 'એ'ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અશ્વિનકુમાર રાયશીભાઇ હરીયા ઉ.વ.૬૯ રહે. નૈરોબી (કેન્યા)એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અશ્વિનભાઇના પિતાજી રાયશી હંશરાજભાઇ તથા મોટાભાઇ ચંદુલાલ રાયશીની સંયુકત માલિકીની જામનગર એરોડ્રામ રોડ પર આવેલ રેવન્યુ સર્વે નં.૧૦૧/૦૧ વાળી બીન ખેતી થયેલ જમીન જેના પ્લોટ નં.૧૪,૧૫,૧૬,૧૭, ૧૮,૧૯,૨૦ વાળી જમીનના આ કામના આરોપી સોમચંદ રાયશી શાહ, રે.જામનગરવાળા તથા તેના દિકરા રમેશલાલ સોમચંદ શાહ, રે.જામનગરવાળાએ ફરીયાદી અનિભાઇના પિતા  તથા ભાઇની ખોટી સહીઓ કરી ઉપરોકત પ્લોટના અલગ અલગ કુલ સાત બોગસ કુલમુખત્યારનામા કરી જેના ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે વેચાણ દસ્તાવેજ કરી ગુનો કરેલ છે.

સીટી 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શાબીર હુશેનભાઇ ગંઢાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૨-૨૦૧૮ના ફરીયાદી શાબીર હુશેનભાઇ ગંઢારને આ કામના આરોપી યુસુફબાપુ રે.જામનગરવાળાની દિકરી સાથે પ્રેમસંબધ હોય જેનો ખાર રાખી આ કામના આરોપી યુનુસબાપુ પીરજાદા, યુસુફબાપુ તથા શફરાજ યુસુબ રે.જામનગરવાળાએ ફરીયાદીને પકડી રાખતા આરોપી યુનુસબાપુએ કોઇ દવા અથવા કોઇ પ્રવાહી પીવડાવી દઇ બેહોશ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

રહેણાક મકાનમાં હાથ ફેરો કરતો તસ્કર

જામનગરઃ અહીં સીટી 'સી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કમલેશ વિઠ્ઠલભાઇ લાબડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૨-૨-૨૦૧૮ના મહાલક્ષ્મી બેંગ્લોઝ સી-૨/૨૦ સાનીધ્ય પાટી પ્લોટની બાજુમાં, સાંઢીયા પુલ પાસે ફરીયાદના રહેણાક મકાનમાં નીચેના માળના દરવાજાને તાળુ કોઇ સાધન વડે ખોલી ઘરમાં રાખેલ રોકડા રૂ.૩૫૦૦૦ તથા સોનાની ચેઇન તેમજ સોનાની કડી બે તોલા વજનની કિંમત રૂ.૪૦૦૦ મળી કુલ રૂ.૭૫૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

મોટા થાવરીયામાં જુગાર રમતા ચાર ઝડપાયા, છ ફરાર

જામનગર : અહીં પંચ એ-ડીવીઝન પોલીસ સ્ટશેનમાં કોન્સ. મેહુલભાઇ કનુભાઇ ગઢવીએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૩ના મોટા થાવરીયા ગામની સીમ કિશોરભાઇ ખેતીયાની વાડીમાં આ કામના આરોપી કિશોરભાઇ બાબુભાઇ ફલીયા, ચંદ્રેશભાઇ કાનજીભાઇ નકુમ, જયેશ ઉર્ફે વાલજીભાઇ પરમાર, કમલેશભાઇ કાનજીભાઇ પરમાર, હસમુખભાઇ વાલજીભાઇ નકુમ, હેમત દયાળજી સતવારા, અમીત કાન્તીભાઇ પટેલ, નિલેષ ઉર્ફે નવઘણ ઉર્ફે દુડી, કારીયો કોળી, ભબુડો કોળી, રે. બધા જામનગરવાળા જાહેરમાં બાવળના ઝાડ નીચે ગોળ કુંડાળુ વાળી ઘોડીપાસા વડે જુગાર રમી પૈસાની હારજીત કરતા રેઇડ દરમ્યાન ઘોડીપાસા નંગ-૪, તથા રોકડા રૂ. ર૪,૩૦૦ તથા મોબાઇલ નંગ-૪, કિંમત રૂ. ૧પ,પ૦૦, તથા મોટર સાયકલ કુલ-૩, કિંમત રૂ. ૭૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૯,૮૦૦ના મુદામાલ સાથે ચાર ઝડપાયા, છ શખ્સો ફરાર થઇ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પિતાએ ઠપકો આપતા સગીરાએ ગળાફાંસો ખાઇ આયખુ ટુકવ્યું

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઇ હીરજીભાઇ ગોહીલ ઉ.વ.૪૮, રે. મજોઠ, તા.ધ્રોલ, જિ.જામનગર વાળાએ જાહેર કરેલ છે કે, તા. ૧૩ના આ કામે મરણ જનાર પુજાબેન દિનેશભાઇ ગોહીલ ઉ.વ.૧૩, રે. મજોઠ, તા.ધ્રોલ, જિ.જામનગર વાળા મગજના એકદમ તેજ હોય જીદી સ્વભાવના હોય અને આ કામના જાહેર કરનાર દિનેશભાઇએ કોઇ કામ સબબ ઠપકો આપતા આ કામે મરણ જનાર પુજાબેને ગળાફાંસો ખાતા મોત નિપજાવેલ છે.

સોનાનો હાર ચોરાયાની રાવ

જામનગર : અહીં સીટી સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોનલબેન મહેશભાઇ જેઠવાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૩ના યોગેશ્વરધામ સોસાયટી શેરી નં.૩, ઘર નં.ર૧ર/૩ ફરીયાદી સોનલબેનના મકાનમાં રાખેલ સોનાનો હાર-ર તોલાનો કિંમત રૂ. ૩પ,૦૦૦ તથા બે સોનાની વીટી કિંમત રૂ.૧૪૦૦૦ એમ મળી કુલ રૂ.૪૯૦૦૦ ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

(12:37 pm IST)