સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th January 2021

દીપડાના બચ્ચાની પજવણી કરવાનો વીડિયો વાયરલ

વીડિયોમાં દેખાતા શખ્સો પર્યટકો લાગે છે : શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મળતા તેની પજવણી કરાઈ રહી હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે

ગીર-સોમનાથ,તા.૧૩ : હાલ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં દીપડાના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. આ દરમિયાન ગીર-સોમનાથ જિલ્લામાં દીપડાના નાના બચ્ચાઓની પજવણી કરવામાં આવતી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ મામલે હાલ વન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. પજવણી કરનાર વ્યક્તિઓ પર્યટકો હોય તેવું લાગી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મળી આવતા તેની પજવણી કરવામાં આવી રહી છે.

       ચાર જેટલા લોકો પોતાના મોબાઈલ ફોનમાં દીપડાના બચ્ચાની ફોટોગ્રાફી કરી રહ્યા છે. હાલ ગીર-સોમનાથ જિલ્લામાં શેરડીની કાપણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં જોવા મળી રહેલા ચારેય લોકો પર્યટકો છે. જોકે, આ વીડિયો કયા ગામનો છે તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. ચારેય લોકો ફોટો અને વીડિયો ગ્રાફી કરી રહ્યા છે ત્યારે નાનું બચ્ચું શેરડીના ખેતરમાં આમ તેમ ફરતું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે દીપડો ખૂબ જ હિંસક પ્રાણી છે. સામાન્ય રીતે દીવસે તે શેરડીના ખેતરોમાં છૂપાઈને રહે છે. શિયાળામાં જ્યારે શેરડીની કાપણી કરવામાં આવે છે ત્યારે ખેતરોમાંથી દીપડાના બચ્ચા મળી આવતા હોય છે. આ જ કારણે અનેક વખત શેરડીની કાપણી કરતા લોકો પર દીપડો હુમલો પણ કરી દેતો હોય છે. તાજેતરમાં રાજ્યમાં દીપડાએ હુમલો કર્યો હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. બેથી ત્રણ જગ્યાએ તો દીપડાએ માણસ પર હુમલો કરીને ખાઈ ગયાના બનાવ પણ નોંધાયા છે. વીડિયોમાં જોવા મળતા દીપડાના બચ્ચા ખૂબ નાના છે. આથી તેમની આ રીતે પજવણી કરવી ભારે પડી શકે છે. જો આસપાસમાં તેની માતા હોય તો તે હુમલો પણ કરી શકે છે.

(7:59 pm IST)