સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

કેશોદ : રઘુવંશી સમાજની તમામ વાંધાજનક મિલ્કતો માટે કેન્દ્રિય સમાધાન પંચ રચો

(વિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૩ : વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ કેશોદ લોહાણા સમાજની જે કોઇ આંતરિક વાંધાજનક મિલકતો હોય તે તમામ મિલ્કતોના વાંધા પતાવવા માટે કેન્દ્રીય સમાધાન પંચની રચના કરવી જોઇએ.

તાજેતરમાં શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે વરાયેલા અગ્રણી ઉદ્યોગપતિ સતિષભાઇ વિઠલાણીની સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનની  વ્યકિતગત મુલાકાતના ભાગરૂપે કેશોદ લોહાણા મહાજનની પણ મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે હાજર રહેલા સ્થાનિક કેશોદ (ર) માંગરોળ (૩) માળિયા હાટીના (૪) વંથલી (પ) માણાવદર સહિતના વિવિધ કેન્દ્રના લોહાણા અગ્રણીઓ અને કાર્યકરોની વચ્ચે બેસી અલગ અલગ પ્રશ્નોની મુકત મને ચર્ચા અને તેના ઉકેલના મુદાઓ જાણ્યા હતા.

આ ઉકેલના મુદાના ભાગરૂપે સ્થાનિક કેશોદ લોહાણા મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ દેવાણીએ એવું સુચન કર્યુ હતુ કે લોહાણા સમાજનો ભુતકાળ ભવ્ય છે. ગામે ગામ સમાજની જગ્યાઓ પડેલી છે. જેની આજના બજાર ભાવે કિંમત કરોડો રૂ. જેવી થાય છે. આમાંથી ઘણી મિલ્કતો જ્ઞાતિના જ આગેવાનો વચ્ચેના વાદ વિવાદના કારણે વાંધામાં પડેલી છે અને આ મિલકતો કોઇપણ જાતના ઉપયોગ વગર દિવસે દિવસે જીર્ણ થતી જાય છે. આવી મિલકતોનો કોઇ ઉપયોગ થતો નથી. ઉલટાની સમાજ માટે અત્યારે બોજારૂપ બની ગયેલી છે.

લગભગ દરેક ગામમાં આવા કોઇને કોઇ પ્રકારના વિવાદી પ્રશ્નો ઉભા જ છે. સમગ્ર લોહાણા સમાજની આવી તમામ વિવાદાસ્પદ મિલ્કતો માટે અદાલતોનો આશરો લીધા સિવાય જ્ઞાતિ તરફથી જ એક કેન્દ્રિય સમાધાન પંચની રચના કરવામાંઅ ાવે અને આ સમાધાન પંચ તમામને ગામે ગામ  સાથે બેસાડી તેનો સુખદ ઉકેલ લાવવામાં મદદરૂપ બને તો આવા વરસો જુના પ્રશ્નો સંતોષકારક ઉકેલ આવી જાય અને કરોડો રૂ.ની બિન ઉપયોગી મિલકતોનો સંપુર્ણ ઉપયોગ થઇ શકે અને સમાજને પણ કાંઇક આર્થિક ઉપાર્જન થાય.

શ્રી ગોવિંદભાઇ દેવાણીએ આ ઉપરાંત બીજા પણ કેટલાક સુચનો કર્યા હતા. જેના ઉકેલ માટે સતિષભાઇ વિઠલાણીએ સંપુર્ણ સહયોગ અને પ્રયાસો કરવા માટે જાહેર વચન આપ્યુ હતુ.

સ્થાનિક કેશોદના જુનાગઢ રોડ ઉપર નવા તૈયાર થયેલા સ્વ. શ્રીમતી શારદાબેન ગોવિંદભાઇ દેવાણી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ મુલાકાત કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક લોહાણા મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઇ દેવાણી (ર)  નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી પ્રવિણભાઇ વિઠલાણી (૩) એડવોકેટ મુકુંદભાઇ હિન્ડોચા (૪) ઇ. એન્ડ ટી. સર્જન ડો. સ્નેહલ તન્ના (પ) શાંતિલાલ પોપટ તથા માંગરોળ  માળિયા હાટીના વંથલી વિગેરે સ્થિળોએથી આવેલા આગેવાનોએ શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી શ્રી સતિષભાઇનું સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે તેમની સાથે રહેલા મહિલા પાંખના પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન વિઠલાણીનું ડો. રમાબેન દેવાણીએ  શાલ ઓઢાડી સનમાન કર્યુ હતુ. શ્રીમતી રશ્મિબહેન હાજર રહેલ અન્ય બહેનો સાથે વિવિધ પ્રશ્ને જ્ઞાન ગોષ્ઠી કરી હતી.

(1:27 pm IST)