સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

ગોંડલમાં વ્‍યાજખોરો બેફામ

યુવાન પાસેથી ૧૦ ટકા મુજબ વસૂલી વધુ વ્‍યાજની માંગ કરી ધમકી આપી

ગોંડલ,તા. ૧૩: રાજનગર માં રહેતા યુવાને વ્‍યાજખોરો પાસેથી નાણાં લીધા હોય પાંચ જેટલા વ્‍યાજખોરોએ ૧૦ ટકા મુજબ વ્‍યાજ વસૂલી લઈ વધુ વ્‍યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

બસ સ્‍ટેન્‍ડ પાસે હરભોલે બેકરી નામે દુકાન ચલાવતા મુકેશ ઠાકુરદાસ વસાણી એ શહેરના નયન જગદીશભાઈ બતાડા, કેતનᅠ કાળુભાઈ ડાંગર , જગદીશ ઉર્ફે જગો વસંતભાઈ ચાવડીયા, સાગર રાજુભાઈ જાટીયા, તેમજ જયરાજ કેસુરભાઈ ભેડા પાસેથી રૂપિયા ૫૮૫૦૦૦ દશ ટકા વ્‍યાજે લીધેલા હોય સમયસર વ્‍યાજ અને રકમ ભરવા ઉપરાંત વધુ વ્‍યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા મુકેશ ના પિતા ઠાકુર દાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૮૪ ૩૮૭ ૫૦૪ ૫૦૬ ૨ તેમજ ૧૧૪ તથા gujarat money lenders act ૨૦૧૧ ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વ્‍યાજખોરોએ યુવાન પાસેથી બે બે કોરા ચેક લઈ લીધા હતા અને એક વ્‍યાજખોરે તો મુકેશ ના નામે બ્રેઝા કાર છોડાવી લીધી હતી અને તેની પાસે રૂપિયા ૧૫૫૦૦ નો માસિક હપ્તો પણ ભરાવતો હતો અને મોબાઈલ ફોન ઉપર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

(1:18 pm IST)