સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th December 2019

જામનગરના ઘુનડા મુકામે પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન મેળવતા ખેડૂતો

ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધિને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપી તેમના દ્વારા અન્ય ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીના પાઠ

જામનગર તા.૧૩: તા.૫થી સાત દિવસ સુધી રાજયભરમાં શરૂ થયેલ પ્રાકૃતિક ખેતી અંગેનું વડતાલ ખાતેથી જીવંત પ્રસારણ રાજયના તમામ જિલ્લામાં કરવામાં આવેલ હતું. આ દરમ્યાન જામનગર જીલ્લાના દ્યૂનડા ગામે સંતશ્રી જેન્તીરામ બાપા આશ્રમ ખાતે ગત તારીખ ૦૫ ડીસેમ્બર થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં દ્યટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ઘિ થાય તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ સેમીનારમાં જામનગર જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માહિતી અને માર્ગદર્શન મેળવેલ હતા.

આ સેમીનારના અંતિમ દિવસે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને તાલીમાર્થીને સંત શ્રી જેન્તીરામ બાપાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ આત્મા પ્રોજેકટ જામનગરના પ્રાકૃતિક કૃષિ પર બનાવેલ કેલેન્ડરનું વિમોચન સંત શ્રી જેન્તીરામ બાપાના હસ્તે કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન આત્મા પ્રોજેકટ જામનગરના પ્રોજેકટ ડાયરેકટર શ્રી એન.એ. કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર જીગ્નેશ પટેલ અને આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

જામનગરમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ

જામનગરઃ ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર જામનગર દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી ૧૦ ડિસેમ્બરના રોજ દિગ્વિજયસિંહજી ન્યુ હાઈસ્કૂલ ખાતે કરાઇ હતી. જેમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, આ સ્પર્ધામાં ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામને ઈનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જામનગર નેહરુ યુવા કેન્દ્રના યુવા સમન્વયક આકાંક્ષા મ્હાવરિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કિરણબેન ગોહિલ અને તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નહેરુ યુવા કેન્દ્રના એન.વાય.વી. જયશ્રી આલવાણી અને વૈશાલી ગોહિલએ કરી હતી તેમ જિલ્લા યુવા સંયોજક નહેરુ યુવા કેન્દ્ર જામનગરની યાદીમાં જણાવ્યું છે.

(12:00 pm IST)