સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં કરા સાથે જોરદાર વરસાદ

અમરેલી, મોરબી, સુરેન્દ્રનગરમાં કરા સાથે વરસાદ : સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો : ફરી મેઘરાજા ત્રાટકયા વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીનો પાક પલળ્યો

અમદાવાદ, તા.૧૩ : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા અકબંધ રહી છે. ઘણા વિસ્તારમાં આજે ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે તમામ લોકો આશ્ચર્યચકિત બનેલા છે. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જુદાજુદા પંથકોમાં જારી રહી શકે છે જેમાં બનાસકાંઠા, પાટણ અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ સુધી હળવા ઝાપટાની આગાહી વચ્ચે લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૩ અને લઘુત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે બાબરા, ગોંડલ અને રાજકોટ, જસદણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

                  આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ૨૦ હજાર ગુણી મગફળી પલળી હતી. જેની હરાજી કરવામાં આવી નથી. ત્યારે આજે સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના ચલાલા, વડીયા, અમરેલી શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જ્યારે ઝર, મોરઝર, પરવડી સહિતના પંથકોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં કરા તથા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને કરા પડયા હતા. હળવદ, માળિયા સહિતના પંથકોમાં પણ ભરશિયાળે કરા પડતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. બીજીબાજુ, સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વિવિધ માર્કેટ યાર્ડમાં મગફળી સહિતનો લાવેલો પાક પલળી જતાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશો જોવા મળ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, માર્કેટ યાર્ડના સત્તાધીશો તેમના દલાલો અને મળતીયાઓના પાક વેચાય તે માટે આ હીન પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખેડૂતોને પાક પલળી જતાં લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,

                  તેની જવાબદારી કોની, વારંવારની રજૂઆત છતાં કેમ શેડ બનાવાતા નથી. બીજીબાજુ, માર્કેટયાર્ડના સત્તાધીશોએ બચાવ કર્યો હતો કે, કેન્દ્ર સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મંજૂર નહી થઇ હોવાથી શેડ બનાવી શકાયા નથી. સરકાર પણ આ મામલે અમારી રજૂઆત કેન્દ્રમાં પહોંચાડતી નથી. અમરેલી જિલ્લામાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને બાબરામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. આટલા ભારે અને ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. માર્કેટ યાર્ડમાં રહેલો કપાસને ઢાંકવા દોડધામ મચી ગઇ હતી. અમરેલી માર્કેટ યાર્ડ સહિત અન્ય યાર્ડોમાં મગફળી અને કપાસ વેચવા આવેલા ખેડૂતોનો પાક પલળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી જીરૂ અને ઘઉંના પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદથી રોગચાળામાં વધારો થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અન્ય કેટલાક પંથકોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં નોંધાયા હતા. તો, બનાસકાંઠાના સૂઇ ગામ સહિતના પંથકોમાં આજે કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક પંથકોમાં પણ આજે મેઘરાજાએ દેખા દેતાં અહીંના ખેડૂતો પણ પાકની નુકસાનીને લઇ ચિંતામાં મૂકાયા હતા.

(8:31 pm IST)