સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ધ્રાંગધ્રાના પૃથુગઢમાં બુટલેગરોના ત્રાસ સામે ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશને હલ્લાબોલ

આખરે પોલીસે ગુન્હેગારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડયો

વઢવાણ, તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના પૃથુગઢ ગામનાં લોકોએ બુટલેગરના ત્રાસથી કંટાળી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલીક બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના પૃથુગઢ ગામમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગર પિતા-પુત્રના ત્રાસથી ગ્રામજનો સહિત મહિલાઓ ત્રસ્ત બની ગયાં છે ત્યારે આ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કે ઉકેલ આવ્યો નથી ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને કટીંગ થતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે તેમજ અવાર-નવાર મહિલાઓ અને યુવતીના છેડતીના બનાવો પણ બની ચુકયાં છે અને યુવાદ્યન સહિત પરિવારો વ્યસનમાં બરબાદ થઈ રહ્યાં છે

આથી બુટલેગર પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોટીસંખ્યામાં ગ્રામજનો સહિત મહિલાઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં અને હલ્લાબોલ કરી બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ આગામી દિવસોમાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ રજુઆતને પગલે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત સીટી પીઆઈ કે.એ.વાળા સહિતનાઓ આવી પહોંચ્યા હતા અને બુટલેગર સહિત તેના પુત્રો સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.

(1:05 pm IST)