સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

બાળ કલાકાર ક્ષિતિ વૈશ્નવે જૂનાગઢને ગૌરવ અપાવ્યું

''તાનારીરી સંગીત મહોત્સવમાં ૧૨૫ કલાકારોએ બાંસુરી વાદન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો''

જુનાગઢ તા.૧૩: ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા વડનગર ખતે આયોજીત તાનારીરી સંગીત મહોત્સવ સમારોહમાં ભારતભરનાં ખ્યાતનામ સંગીતકારો ઉપસ્થિત રહી તેમની કલા પ્રદર્શીત કરી, આ મહોત્સવમાં ગુજરાતનાં ૧૨૫ બાંસુરી વાદકનાં સમુહ વૃંદ વાદનમાં ભકત કવિ નરસિંહ મહેતાજીનું પદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના અનુસંધાને તેમનું પ્રિય ભજન ''વૈશ્નવ જનતો તેને કહીયે'' અને રાષ્ટ્રગીત ''જન ગણ મન''નું વાદન કરવામાં આવેલ. જેની નોંધ ''ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ''ની ટીમ દ્વારા લેવામાં આવી અને આ ઉપક્રમને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું.

જૂનાગઢની જાણીતી સંગીત તાલીમ સંસ્થા ''સપ્તક સંગીત વિદ્યાલય''નાં વિદ્યાર્થીની કુ.ક્ષિતિ વૈશ્નવએ ૧૨૫ કલાકારોના વંૃદ વાદનમાં બાંસુરી વાદન કરી જૂનાગઢને ગૌરવ પ્રદાન કરાવ્યું.

ક્ષિતિ વૈશ્નવ હાલ જાણીતા સંગીતાચાર્ય વિપુલભાઇ ત્રિવેદી અને જાણીતા બાંસુરી વાદક તથા વાયોલીન વાદક ગૌરવ ભટ્ટી પાસેથી સંગીતની તાલીમ મેળવી રહ્યા છે. કુ.ક્ષિતિ વૈશ્નવની આ સિધ્ધી બદલ સંગીત ક્ષેત્રના અને સામાજિક ક્ષેત્રનાં આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ. ક્ષિતિ વૈશ્નવને સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં તેમના પિતા દિવ્યાંશુભાઇ અને પરિવારનો ફાળો પણ નોંધનીય રહ્યો છે.

(12:03 pm IST)