સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th September 2021

એન.ડી.આર.એફ.ની ચાર અને એસ.ડી.આર.એફ. ની એક ટીમ રાજકોટ જિલ્લાની બચાવ રાહત કામગીરીમાં સામેલ

પંજાબના ભટિંડા ખાતેથી ત્રણ ટીમ હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચી

રાજકોટ :હાલમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિને થાળે પાડવા માટે એન.ડી.આર.એફ.ની ચાર અને એસ.ડી.આર.એફ. ની એક ટીમ રાજકોટ આવી ચૂકી છે. અને પૂરમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી રહી છે.
  રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે પંજાબના ભટિંડા ખાતેથી હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચેલી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમોએ ધોરાજી, ગોંડલ તથા રાજકોટ શહેરના પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોના બચાવ રાહતની કામગીરી  શરૂ કરી દીધી છે, જેનાથી મહત્તમ લોકોનું સ્થાનાંતર શક્ય બન્યું છે અને જાનમાલની ખુવારી અટકાવી શકાઇ છે.
 એન.ડી.આર.એફ.ની ચોથી ટીમ વડોદરાથી સડક માર્ગે લોધિકા આવી પહોંચી છે, જેને લોધીકા તાલુકાના વિવિધ ગામોમાં ફસાયેલા નાગરિકોના સ્થળાંતર માટે કાર્યરત કરી દેવાઇ છે. તથા એસ.ડી.આર.એફ.ની એક ટીમના સભ્યો ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે, જેના સભ્યોએ રાજકોટ શહેર-૨ ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ  શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપાઈ છે.

(9:35 pm IST)