સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડુત ભગવાનજીભાઇ ચવાડિયાએ પરંપરાગત ખેતી છોડી યુટયુબના માધ્‍યમથી જાણકારી મેળવી ડ્રગન ફ્રુટ (કમલમ)નું વાવેતર કરી પુષ્‍કળ કમાણી કરી

અઢી વીઘા જમીનમાં 1 હજાર કિલોથી વધારે ડ્રેગન ફ્રુટની આવકઃ કિલોના બજાર ભાવ 150થી 200 રૂપિયા

ઉપલેટાઃ રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડુત ભગવાનજીભાઇ ચવાડિયાને ડ્રેગન ફ્રુટનું કેવી રીતે વાવેતર કરવુ તેની માહિતી ન હોવાથી સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી માહિતી મેળવી કોલકત્તાથી ડ્રેગન ફ્રુટનું બીજ મંગાવ્‍યુ હતુ. અઢી વીઘા જમીનમાં દોઢ લાખનો ખર્ચ કરી એક જ વર્ષમાં વાવેતરનો ખર્ચ કાઢી મબલખ પાક મેળવી પુષ્‍કળ કમાણી કરી હતી.

સૌરાષ્ટ્રના ખેડૂતો દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યાં છે, તેનુ કારણ સ્માર્ટ આઈડિયા છે. ઓછી મહેનતે વધુ નફો કેવી રીતે રળી શકાય તેના પર તેઓ ફોકસ કરે છે. આ નિયમને ખેતીમાં લાગુ કરીને હવે સફળ બની રહ્યાં છે. ત્યારે ધોરાજીના એક ખેડૂત ડ્રેગન ફ્રુટનું વાવેતર કરીને વધુ નફો કમાઈ રહ્યાં છે.

ધોરાજીના ખેડૂત ભગવાનજીભાઈ ચવાડિયા અગાઉ પરંપરાગત ખેતી કરી રહ્યા હતા અને દર વર્ષે કંઇક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આખરે થાકેલા ભગવાનજીભાઈએ ખેતીમાં કઈક નવું કરવા અને વધુ આવક મેળવવા માટે રિસર્ચ શરૂ કર્યું. તે દરમિયાન તેઓ ખેતી વિષયક સતત નવું નવું જાણી રહ્યા હતા. ત્યારે તેઓને ડ્રેગન ફ્રુટ અંગે માહિતી મળી. તેમણે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટ વાવવાનો નિણર્ય કર્યો. પરંતુ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમની મદદે આવ્યું. ડ્રેગન ફ્રુટ કેવી રીતે વાવવુ તે તેમને ખબર ન હતી, પરંતુ યુટ્યુબ તેમની મદદે આવ્યું. યુટ્યુબના વીડિયો જોઈને તેઓ ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનુ શીખ્યાં અને અઢી વીઘામાં તેઓએ ડ્રેગન ફ્રુટનું વાવેવતર કર્યું,

આ માટે તેઓએ કોલકાત્તાથી ડ્રેગન ફ્રૂટનું બીજ મંગાવ્યું અને ખેતી શરૂ કરી. જેમાં તેઓએ અઢી વીઘામાં દોઢ લાખનો ખર્ચ કર્યો અને વાવેતર કર્યું અને માત્ર એક વર્ષમાં જ તેઓએ પોતાના વાવેતરનો ખર્ચ કાઢી લીધો હતો અને નફો કમાવવાનું શરૂ કર્યું હતું.

તેમણે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા પાછળનું કારણ પણ તથા મહત્વ જણાવ્યું હતું. ભગવાનજીભાઈના જણાવ્યા મુજબ, ડ્રેગન ફ્રુટનું એક વખત વાવેતર કર્યા બાદ તે આપોઆપ ઉગે છે. ડ્રેગન ફ્રુટના છોડના ઉછેરને માત્ર એક વર્ષ જ લાગે છે અને ત્યારબાદ જેવું ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન શરૂ થાય છે. ફ્રુટ આવતા જાય પછી ખાસ કોઈ માવજત કરવી પડતી નથી. સાથે સાથે ઓછા પાણીએ પણ ઊગી નીકળે છે. બીજી બાબત એ પણ કે આ છોડમાં કુદરતી આફત સામે ટકવાની એક ગજબ શક્તિ છે. જેને લઈને વાવાઝોડા કે અન્ય આફત સામે ખૂબ જ ઓછું નુકસાન થાય છે. આમ છતાં તે સતત 20 વર્ષ સુધી સામાન્ય માવજતમાં ઉત્પાદન આપતું રહે છે. અઢી વીઘા જમીનમાં 1 હજાર કિલોથી પણ વધારે ડ્રેગન ફ્રુટની આવક થાય છે. હાલ માર્કેટમાં તેની માંગ સારી છે. એક કિલોના 150 થી 200 રૂપિયા સુધી ભાવ મળે છે. જે જોતા ડ્રેગન ફ્રુટ એ એક વખતના વાવેતર બાદ નફાનો ધંધો છે, જેથી દરેક ખેડૂતે થોડું ઘણું વાવેતર કરવું જોઈએ.

ડ્રેગન ફ્રુટની માંગ હાલ ખુબજ વધારે છે. ડ્રેગન ફ્રુટ દવા અને લોહીનું શરીરમાં પ્રમાણ વધારવા માટે ખુબજ ઉપયોગી છે. જેથી તેની લોકોમાં માંગ વધુ છે. અનેક ખેતરોમાં તો તે બારોબાર વેચાઈ જાય છે. ભગવાનજીભાઈએ કરેલ ડ્રેગન ફ્રુટનું વાવેતર જોઈને અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થઈ રહ્યા છે અને ડ્રેગન ફ્રુટના વાવેતર તરફ વળ્યાં છે. જે વધુ નફો અને એ પણ વર્ષો વરસ સુધી ઉપજ આપે છે.

(6:12 pm IST)