સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

બગવદર પી.જી.વી.સી.એલ. સબ ડિવીઝન હેઠળના વિસ્‍તારોમાં વધતા વીજ ધાંધિયા

પોરબંદર, તા. ૧૩ બગવદર અને કોસ્‍ટલ સબ ડિવીઝન અરિયામાં વધતા વીજ ધાંધીયા સામે ભારે આક્રોશ સાથે પોરબંદર   કોંગ્રેસ દ્વારા ઉર્જામંત્રીને રજૂઆત થઇ છે.
કોંગ્રેસ ના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ ઉર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું કે પોરબંદર જિલ્લાના બગવદર સબ ડીવીઝન, ક્રોસ્‍ટલ સબ  ડીવીઝન એરીયામાં આવતા બરડા વિસ્‍તારના ગામડાઓમાં સામાન્‍ય વરસાદ થાય તો પણ વીજળી ગુલ થઇ જાય છે.
બગવદર સબ ડીવીઝન જયારે મજીવાણામાં હતું ત્‍યારે    ૧૯૬૯માં જે સેટઅપ સરકારે મંજૂર કર્યું છે. તે જ સેટઅપ અત્‍યારે છે. ૧૯૬૯માં જેટલા વીજ ગ્રાહકો હતા અને વાડી વિસ્‍તારને કારણે જેટલો એરીયા હતો, તેના કરતા અનેક ગણો એરીયા અત્‍યારે વધી ગયો છે. અત્‍યારે જેટલો સ્‍ટાફ છે અને જેટલા વાહનો છે. તેને કારણે ફોલ્‍ટ થયા પછી દિવસો સુધી ફોલ્‍ટ એટેન્‍ડ થઇ શકતા નથી. જેને કારણે વીજ ગ્રાહકો અને સ્‍ટાફ વચ્‍ચે વારંવાર ઘર્ષણ થાય છે.
વીજ વાયરો પણ જર્જરીત છે, એન્‍ગલ પણ સડી ગયા છે. પોલ કેટલી જગ્‍યાએ નમી ગયેલ છે. ઝાડ પણ વીજવાયરોને અડી જાય છે. જેને કારણે પણ વારંવાર બંધ થઇ જાય છે. વીજ મટીરીયલના અભાવે અને યોગ્‍ય આયોજન અને નાણાની ફાળવણીના અભાવે વીજ વાયરો બદલવાની એન્‍ગલો બદલવાની કલેમ્‍પ બદલવાની કાર્યવાહી થઇ શકી નથી.
ઓછા સ્‍ટાફને કારણે પડતી મુશ્‍કેલીઓમાં વધારાની મુશ્‍કેલી તરીકે આ તમામ સ્‍ટાફને ભાજપ સરકાર તેના રાજકીય કાર્યક્રમોમાં જનમેદની જોગ કરવામાં પણ રોકી રાખે છે. વીજળીનું બીલ ભરવામાં એક દિવસ મોડું થાય તો પણ સરકાર ચલાવી લેતી નથી.
વીજ ટ્રાન્‍સફોર્મરો નબળી ગુણવતાના  સપ્‍લાય થયેલ છે. વીજ ટ્રાન્‍સફોર્મરો સપ્‍લાય કરનારા કોન્‍ટ્રાકટર અને સાંઠગાંઠને કારણે તેની સામે કોઇ પગલા લેવામાં આવતા નથી. વીજ ટ્રાન્‍સફોર્મરો વારંવાર બળી જાય છે. બળી ગયેલા વીજ ટ્રાન્‍સફોમરો દિવસો સુધી બદલવામાં આવતા નથી. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

 

(11:53 am IST)