સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

વઢવાણના વાડલા ગામના બે ભાઇઓને બોલાવી લાદી કામનાં બાકી પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો

વઢવાણ, તા.૧૩: રતનપર ખાતે ચાર શખ્‍સોએ લાદી કામનાં પૈસાની માંગણી કરી છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ ચોહાણ તેમના મોટાભાઈ દિલીપભાઈના ઘરે રતનપર ખાતે સહજાનંદ ટાઉનશીપ પાસે હાજર હતા ત્‍યારે તેમને જયેશભાઈ ચૌહાણે ફોન કરી રતનપર બાયપાસ રજવાડુ હોટલ પાસે બોલાવતા બન્ને ભાઈઓ ત્‍યાં ગયા હતા. ત્‍યારે વિજય ચૌહાણ, બટુક પ્રવિણભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ અને અક્ષય બટુકભાઈ ચૌહાણ ત્‍યાં હાજર હતા અને વિજય ચૌહાણે જણાવેલ કે, તમારા મકાનનું લાદીનું કામ કર્યુ હતું તેના બાકી પૈસા કેમ આપતા નથી. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગતા અશોકભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્‍સોએ છરી વડે હુમલો કર્યો હતો અને સાથળ, પેટના ભાગે, કોણી પાસે ઘા કર્યા હતા. તેમના ભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો.

આ અંગે અશોકભાઈએ અક્ષય બટુકભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ, વિજય પ્રવિણભાઈ ચૌહાણ, અને જયેશ પ્રવિણભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(4:03 pm IST)