સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th August 2018

ભાવનગરના યુવાઓનું પ્રેરક અભિયાન :અન્નનો બગાડ નહિ કરવાની અપીલ સાથે ભૂખ્યા બાળકો સુધી કરાવે છે ભોજન

નોકરી કરતા યુવાનોએ પોતાના પૈસાથી શરુ કરેલ સેવાયજ્ઞમાં સૌનો સહકાર મળ્યો : રેસ્ટોરન્ટ- સામાજિક પ્રસંગોમાં જઈને અન્નનો બગાડ નહીં કરવા અપીલ કરે છે

ભાવનગરમાં યુવાઓએ પ્રેરક અભિયાન હાથ ધર્યું છે આ અભિયાનમાં યુવાનો દર રવિવારે સાંજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને સરસ જમવાનું આપે છે. દર રવિવારે પચાસ જેટલા બાળકોને સારામાં સારુ જમવાનું આપવાનું કામ છેલ્લા 16 રવિવારથી આ યુવાનો ચલાવી રહ્યા છે.આ તમામ યુવાનો નોકરી કરે છે તેમના વ્યસ્ત સમયમાંથી સેવા માટે તેમને કિંમતી સમય આપે છે.

આ યુવાનોની ટીમ સાથે જોડાયેલા અર્જુનસિંહ રાઠોડે જણાવ્યુ કે, તેમની સાથે 40 થી 50 યુવાનો જોડાયેલા છે અને આ સેવાકીય પ્રવૃતિમાં સૌને અનુકૂળ હોય એવી રીતે સમય આપે છે.

અમે જ્યારે આ કાર્યની શરૂઆત કરી ત્યારે પોતાના પૈસાથી ખાવાની વસ્તુઓ ખરીદી ગરીબ બાળકોને આપતા હતા પણ ધીરે-ધીરે લોકોનો સહકાર મળતો ગયો અને હવે દાતાઓ ગરીબ બાળકોને જમાડવા માટે દાન આપે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા લોકો અમારી સાથે જોડાયા છે

    તેમણે વધુમાં ઉમેર્યુ કે, તેમની ટીમના સભ્યો શહેરની વિવિધ રેસ્ટોરસ્ટોમાં જવાનુ શરૂ કર્યુ છે. લોકોના ઘરે સામાજિક પ્રસંગોમાં જઇ પત્રિકાઓ આપીએ છીએ અને અન્નનો બગાડ ન કરવા વિનંતી કરી છીએ અને દેશમાં કેટલા લોકો અન્ન ન મળવાથી ભૂખ્યે સૂએ છે તેની વાત કરીએ છીએ

   રેસ્ટોરન્ટોમાં તેઓ  વિનંતી કરે છે કે ગ્રાહકોને વિનંતી કરે કે, તેઓ ખાવાનો બગાડ ન કરે અને તેમની રેસ્ટોરન્ટમાં ખાવાનું વધે તો અમને જાણ કરે તો અમે આ ખાવાની વસ્તુઓને ભૂખ્યા ગરીબ બાળકો સુંધી પહોંચાડવા પ્રયાસ કરીશુ. આ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. કેમ કે, લોકોનો સહકાર મળી રહ્યો છે” અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું. તેઓ ભાવનગરમાં સર્વ શિક્ષા અભિયાન સાથે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

(8:49 am IST)