સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

પત્નિની છરીના ૧૪ ઘા મારીને હત્યા કરવા અંગે પતિને આજીવન કેદ

ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પ્લાન્ટ પાસેના રસુલપરા વિસ્તારમાં આરોપી રજાકે પત્નિ નસીમ ઉપર છરીના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરી હતીઃ એકસ્ટ્રા જયુડીશ્યલ કન્ફેશન માની આરોપીને સજા કરવાની એ.પી.પી. બિનલબેન રવેશીયાની રજૂઆત સ્વીકારી કોર્ટે સજા ફટકારી

રાજકોટ, તા. ૧૩ : અહીંના ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલવન્ટ પાસે આવેલ રસુલપરાના મફતીયાપરામાં રહેતી નસીમબેન ભટ્ટીની છરીના ઉપરાછાપરી ૧૪ જેટલા ઘા મારીને ઘાતકી હત્યા કરવા અંગે પકડાયેલ મરનારના પતિ રજાક કરીમભાઇ ભટ્ટી સામેનો કેસ ચાલી જતા અધિક સેસન્સ જજશ્રી એચ.એમ. પવારે આરોપીને તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે અહીંના ગોંડલ રોડ ઉપર રસુલપરા મફતીયાપરામાં રહેતા આરોપી રજાકે તેની પત્નિ નસીમને ઘરેની બહાર રાત્રીના જવુ નહિ તેમ કહેવા છતાં મરનારે પતિની વાત નહી માનતા આરોપી રજાકે ઉશ્કેરાઇ જઇને તા. ર૯/૪/૧૪ના રોજ પત્નિની છરીના ૧૪ ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે રસુલપરામાં જ રહેતા રસુલભાઇ અલારખાભાઇ મીરની ફરીયાદ નોંધીને પોલીસે આરોપી રજાક ભટ્ટીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયાએ એવી રજૂઆત કરેલ કે, આરોપીએ પત્નિ ઉપર છરીના ઘા મારીને પોતાને પણ ઇજા કરી છે. છરી ઉપર મરનાર અને આરોપીનું લોહી મળી આવેલ છે. રાત્રીના બનાવ  બનેલ છે. આરોપીની તેના ઘરે હાજર-પુરવાર થાય છે. તેમજ  ડાઇંગ ડેકલેરેશનમાં આરોપીએ પત્નિને છરીના ઘા માર્યાનું તેમજ પોતે જ પોતાને ઇજા કર્યા કર્યાનું જણાવેલ છે. આમ આરોપીએ ખુદ જ એકસ્ટ્રા જયુડીશ્યલ કન્ફેશનનો પુરાવો આપેલ હોય. આ હકિકતને ધ્યાને લઇને આરોપીને કસુરવાર માનીને સખ્ત સજા કરવી જોઇએ.

વધુમાં સરકારી વકીલ શ્રી બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, ફરીયાદ પક્ષના કેસની હકિકતો, તપાસની હકિકતો મેડીકલ એવીડન્સ તેમજ સાહેદોએ આપેલ નિવેદનો અને સાહેદોનો પુરાવો જોતા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય નિશંકપણે કેસ પુરવાર થાય છે.

આરોપીએ મરનારને તેમજ પોતાને ઇજા કર્યાની અને છરી ઉપર જે લોહી મળી આવેલ છે. તે લોહી આરોપીનું હોવાનું પણ ડોકટરે સમર્થન આપેલ હોય. આરોપી સામે ગુનો પુરવાર થતો હોય આઇ. પી. સી. કલમ ૩૦ર હેઠળ આકરામાં આકરી સજા કરવા સરકારી વકીલે રજૂઆત કરી હતી.

ઉપરોકત રજૂઆત અને કેસની હકિકતો, પુરાવો તેમજ મેડીકલ એવીડન્સ વિગેરેને ધ્યાને લઇને અધિક સેશન્સ જજ શ્રી એચ. એમ. પવારે આરોપી રજાક ભટ્ટીને કસુરવાર માનીને આરોપીને ખુનના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. બિનલબેન રવેશીયા રોકાયા હતાં.(૮.૧પ)

(4:03 pm IST)