ધોલપુરથી કુવાડવા જીઆઇડીસીમાં પહોંચેલા ટ્રકની તાલપત્રી કાપી બે લાખના તલની ચોરી
કુવાડવા પોલીસે ગુનો નોંધ્યોઃ ૧૧૦ બાચકા ખરેખર કયાં ચોરાયા તેનાથી ડ્રાઇવર અજાણ
રાજકોટ તા. ૧૩: રાજસ્થાનના ધોલપુરથી કુવાડવા જીઆઇડીસી સુધીમાં કોઇપણ સ્થળે ટ્રક ઉપરના દોરડા-તાલપત્રી કાપી કોઇ રૂ. ૨ લાખના તલના ૧૧૦ બાચકા ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે એરપોર્ટ રોડ ફાટક પાસે રઘુનંદન પાર્ક-૩માં રહેતાં મિલનભાઇ કાંતિલાલ બુધ્ધદેવ (ઉ.૫૫) નામના લોહાણા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યા મુજબ તેના મિત્ર રાજસ્થાનના ધોલપુરમાં ફેકટરી ધરાવે છે. ત્યાંથી ડ્રાઇવર સૂર્યપ્રકાશ તા. ૧/૭ના રોજ ટ્રક નં. આરજે૨૯જીએ-૧૮૫૨માં તલના બાચકા ભરી કુવાડવા આવવા રવાના થયો હતો. આ માલ કુવાડવા વીપીએન સન્સ ખાતે ઉતારવાનો હતો. આ રસ્તા પર કોઇપણ સ્થળે ટ્રક હોલ્ટ થયો ત્યારે કોઇએ દોરડા અને તાલપત્રી કાપીને ટ્રકમાંથી રૂ. ૨ લાખના તલના ૧૧૦ બાચકા ચોરી લીધા હતાં.
કુવાડવા જીઆઇડીસીમાં ટ્રક હોલ્ટ થાય એ પહેલા વજન કરાવવામાં આવતાં વજન ઓછુ થતાં તપાસ કરતાં ચોરી થયાની જાણ થઇ હતી. ડ્રાઇવરે ધોલપુર શેઠને જાણ કરતાં શેઠે રાજકોટ રહેતાં મિત્ર મિલનભાઇને આ બાબતે વાત કરતાં તેમણે ફરિયાદ નોંધાવી છે. પી.આઇ. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. (૧૪.૫)