સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

પોરબંદરના માહિતી અધિકારી જે. ડી. ત્રિવેદીના કાર્યોની કદર

સતત ચોથા વર્ષે જનસંપર્ક અને પ્રચાર સંકલનની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેકટરના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત

પોરબંદર તા.૧૩ : રાજય સરકારના માહિતી ખાતામાં શબ્દની સાધના થકી સેવાના કર્મયોગી એવા રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સમાચાર શાખાના સહાયક માહિતી નિયામક અને પોરબંદર ખાતે જિલ્લા માહિતી અધિકારીનો વધારાનો હવાલો સંભાળતા શ્રી જે.ડી.ત્રિવેદીને પોરબંદર જિલ્લા કલેકટર શ્રી મુકેશ પંડ્યાએ સુજલામ સુફલામ્ જળ અભિયાનમાં વિશેષ જનસંપર્ક, મીડિયા લાયઝનિંગ અને પ્રચાર-પ્રસારની બેસ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા છે.

માહિતી ખાતાના સૌરાષ્ટ્ર રીજીયનમાં જે.ડી.થી ઓળખાતા જગદીશ ત્રિવેદી જનસંપર્ક તેમજ સરકારના અભિયાનોમાં વહિવટી તંત્ર અને મીડિયા વચ્ચે માહિતીના આદાન પ્રદાન અને લાયઝનિંગમાં માહિર હોવાથી સતત ચોથા વર્ષે કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરીનું બહુમાન મળ્યું છે.

અગાઉ તેઓને મોરબી જિલ્લા માહિતી કચેરીના વડા તરીકે તત્કાલિન કલેકટર એસ.બી.રાવલે ચૂંટણીની શ્રેષ્ઠ કામગીરી બદલ અને ત્યાર પછી વર્ષ ૨૦૧૬માં સ્વાતંત્ર્ય રાજય પર્વની ઉજવણીમાં પણ નોંધપાત્ર કામગીરી બદલ તત્કાલિન કલેકટર આઇ.કે.પટેલે પણ સન્માન પત્ર આપીને જે.ડી.નું બહુમાન કર્યું હતું.

ત્યાર પછી પોરબંદર જિલ્લા માહિતી કચેરીમાં સહાયક માહિતી નિયામકનો હવાલો સંભાળનાર શ્રી ત્રિવેદીને તત્કાલિન કલેકટર અને હાલના માહિતી નિયામક અશોક કાલરિયાએ પણ તેમને વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી હતી.

હાલ તેઓને સતત ચોથા વર્ષે પોરબંદર કલેકટરશ્રીએ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા છે.

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયાએ પણ મહિલા સશકિતકરણ અને ગ્રામ વિકાસના હકારાત્મક પત્રકારત્વ બદલ તેમજ તત્કાલીન સંયુકત માહિતી નિયામક કે.એ. કરમટાએ પણ શ્રી ત્રિવેદીને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

માહિતી ખાતામાં તા.૫-૧-૧૯૮૭થી માહિતી મદદનીશ તરીકે દાહોદથી કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી ત્રિવેદી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રૂગનાથપુર ગામના વતની છે. તેમના પિતાશ્રી સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ વર્ષોથી રાજકોટ સ્થાયી થયા છે.

આ અંગે પ્રતિભાવ આપતા જે. ડી. ત્રિવેદીએ જણાવ્યું કે માધ્યમો, મીડિયા કે પત્રકાર મિત્રો સરકારની સામાજિક સેવા હોય કે નવતર અભિગમો કે પછી લોકોને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા કરાતા જનહિતના નિર્ણયને હકારાત્મક રીતે આવકારતા જ હોય છે. તેમને ત્વરીત,સચોટ અને ન્યુઝ સેંસ સાથેની માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે તે સાચું મીડીયા લાયઝનીંગ છે. આ કાર્યમાં રાજકોટ અને પોરબંદરના તંત્રીશ્રીઓ તેમજ પત્રકારોનો હંમેશા સહયોગ અને સહકાર મળ્યો છે. માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન અને કર્મચારીઓની ખંતપૂર્વકની કામગીરીને લીધે આ બહુમાન મળ્યું છે, તેથી તેનો સાચો યશ કચેરીના કર્મયોગી બંધુઓ અને પત્રકારોને આપું છું. તેમ પોતાના બહુમાનનો પ્રત્યુતર આપતા જગદીશ ત્રિવેદી (મો.૯૯૨૫૩ ૫૭૬૫૭) એ જણાવ્યું હતું. (૧૬.૧)

 

(12:02 pm IST)