સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

પરમધામમાં ઉમટયા ભાવિકોઃ કાલે અષાઢી બીજ મહોત્સવ

પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં કાલે ધ્વજારોહણ, પૂજનવિધી સહિતના કાર્યક્રમો

જુનાગઢ, ભેંસાણ તા.૧૩: જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાના પરબધામમાં આજથી બેદિવસીય અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ થયો છે. પૂ. કરશનદાસ બાપુનાં સાનિધ્યમાં કાલે સવારે ધ્વજારોહણ, ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાશે.

ભેંસાણ નજીક આવેલા સોેૈરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે બે દિવસ અષાઢી બીજ મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં લાખો ભાવિકો ઉમટશે. એક જ પંગતે એક લાખ ભાવિકો ભોજન પ્રસાદ લઇ શકે તેવી વિરાટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા માટે ૧૦ હજાર સ્વયં સેવકોને કામે લગાવવામાં આવ્યા છે.

પરબધામે લોકમેળો આમ તો સત્તાવાર રીતે કાલે ખુલ્લો મૂકાશે પણ આજથી જ ભાવિકો મેળામાં ઉમટી પડયા છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાલે તા. ૧૪નાં સવારે ૮ વાગ્યે ધ્વજારાહણ સાથે મેળો ખૂલ્લો મુકાશે. ૯ વાગ્યે ધર્મસભા અને બાદમાં સમાધિસ્થળે પુજનવિધિ કરવામાં આવશે.

અષાઢી બીજ મહોત્સવમાં ભોજન પ્રસાદ માટે અલાયદી વિરાટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભોજન પ્રસાદમાં બપોરે રોટલી, દાળ, ભાત, સંભારો, શુધ્ધ ઘીનો શીરો, છાશ પીરસવામાં આવશે. જયારે રાત્રે કઢી-ખીચડી,શાક-રોટલી, શીરો ભોજન પ્રસાદમાં આપવામાં આવશે.

પરબધામના મહંત કરશનદાસ બાપુનાં સાનિધ્યમાં છેલ્લા બે માસથી મહોત્સવની તૈયારી ચાલી રહી છે. ૧૦ હજારો સ્વયંસેવકો પૈકી ચારથી પાંચ હજાર સ્વયંસેવકો રસોડા વિભાગમાં સેવા આપશે.

ભેંસાણના પી.એસ.આઇ. એ.એલ. બારસીયાએ જણાવ્યું હતું કે, મેળા દરમિયાન ભાવિકોની સુરક્ષા માટે ૧૦૦ પો. કો. ૧ એસ.આર.પી. કંપની, ૧૨૦ જીઆરડી જવાનો, ૮ પીએસઆઇ, ૧ પીઆઇ તૈનાત રહેશે. જયારે તાલુકા આરોગ્ય અધિકારી વાંઝાએ જણાવ્યું હતું કે, મેળા દરમિયાન ૩ દિવસ સુધી પરબધામ ખાતે દવાનાનું શરૂ કરવામાં આવશે, જેમાં તબીબોની ૩ ટીમ ૨૪ કલાક ખડેપગે રહીને દર્દીઓને સેવા પુરી પાડશે. (૧.૧૦)

(11:58 am IST)