સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

કાલે અષાઢી બીજઃ કચ્છીમાડુઓનું નવું વર્ષ

આમ તો ગુજરાત રાજય સાથે જોડાયેલ કચ્છ - જીલ્લો ભૌગોલિક, સાંસ્કૃતિક રીત રિવાજ, પહેરવેશ ધંધા રોજગારની રીતે રાજયના અન્ય બે પ્રદેશો સૌરાષ્ટ્ર તથા ગુજરાતથી તદ્દન જુદો તરી આવે છે. કચ્છથી ઉત્તરે આવેલ સિંધ પ્રદેશની ઉંડી અસર આ પ્રદેશને વધુ અસરકર્તા છે. સિંધુ સંસ્કૃતિનું વિસ્તરણ આ સમગ્ર પ્રદેશ ઉતરમાં પશ્ચિમથી પૂર્વ તરફ થયેલ છે.

કહેવાય છે કે સિંધુ નદીની એક શાખા કચ્છના લખવત - અબડાસા તાલુકા સુધી લંબાયેલ અને આ વિસ્તારમાં સિંધી ચોખાની ખેતી વિપુલ પ્રમાણમાં થતી. પરંતુ સમયે સમયે આવેલ ભૂસ્તરીય ફેરફારો ભૂકંપો અને સુનામીઓની અસરને કારણે સિંધુ નદીના અવશેષો રૂપે કોરી ક્રીક પાસે સીમીત રહી ગઈ છે. આ ભૂસ્તરીય ફેરફારોને કારણે કચ્છનો સમગ્ર પ્રદેશ અનેક વખત પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને અનેક જગ્યાઓ પાછો પાણીમાંથી બહાર આવેલ છે.

આજે જે કચ્છની ઉંધા કાચબા જેવી રચના છે તેને ઉત્તર પશ્ચિમમાં કોરી ક્રીક ઉત્તરમાં આવેલુ મોટુ રણ અને પૂર્વ દિશામાં વિસ્તરેલ નાનું રણ વગેરે વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે તેનું આગવુ મહત્વ ધરાવે છે. સમુદ્રમાંથી બહાર આવેલ જમીન ઉપર ''અસ્મિઓનો'' ભંડાર પૃથ્વીના કરોડો વર્ષના ઈતિહાસ સંગ્રહી બેઠો છે. આ અંગે વિગતવાર અભ્યાસની મોટી તકો રહેલ છે અને સાથોસાથ સરકારની જવાબદારી પણ છે કે આ ''ફોસીલ'' અસ્મિઓના અભ્યાસ માટે જરૂરી તકો પૂરી પાડવામાં આવે.

કચ્છના વિસમ હવામાન વારંવાર થતા ભૂસ્તરીય ફેરફારો ઉત્તરે રણનો ખારાસ હોવાનો પ્રદેશ અને અમુક વેટલેન્ડમાં થતા ટૂંકા ઘાસના બની જેવા મેદાનોમાં પશુપાલનના સિવાય બીજી કોઈ ધંધાની તકો ન હતો. જયારે પશ્ચિમ કચ્છના કંઠી જેવા મુલકમાં તથા નવા નખત્રાણા ભુજ તાલુકામાં તેમજ પૂર્વ કચ્છ વાગડમાં ખેતીવાડ વિકસેલ.

અબડાસા તાલુકામાં લિગ્નાઈટની ખાણો અને બાકીની કાંઠાળ પ્રદેશમાં વહાણવટાનો વિકાસ થઈ વિદેશમાં વ્યવસાયની શોધમાં ખડતલ કચ્છીઓ જતા હતા અને વહાણવટા દ્વારા વિદેશ વેપાર ખેડનાર કેટલાક વેપારીઓએ સારી નામના મેળવી હતી. જત, ભાનુશાળી, લોહાણા ખારવા જેવી મજબૂત બાંધાની પ્રજાતિઓના મુળ સિંધ અને મધ્ય એશિયા સાથે વધુ નજીકતા દર્શાવે છે. આમ કચ્છ પ્રદેશ ઓછો વરસાદ, ખેતીવાડીની ટાંચી સગવડ તથા ભૌગોલિક પરિસ્થિતિમાં વારંવાર ઉદ્દભવતી કુદરતી ફેરફારોની અસરને કારણે પ્રજા સાહસીક, સંઘર્ષમય જીવનવાળી ખુમારી તથા ખમીરથી ભરપૂર અને સ્વાભિમાની જોવા મળે છે. જે અન્ય મુલક કરતાં જુદી તરી આવે છે. આ થઈ કચ્છની મુળભૂત અસ્મિતાની વાત.

ઉત્સવો - પર્વોની ઉજવણી

સિંધુ સંસ્કૃતિના રિવાજો અને ઉત્સવો તથા પર્વોની ઉંડી અસર કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ તથા મુખ્ય વ્યવસાય અને રોજગારને અનુરૂપ જોવા મળે છે. ખાસ કરીને લખપતથી તુણા સુધીના દરીયાકિનારાથી સગવડને કારણે વહાણવટા અને દરિયાઈ વિદેશ વેપારની સગવડતાને ધ્યાને લઈ અને સિંધી પ્રજામાં પ્રચલિત દરિયાદેવની પૂજા અર્ચનાની પરંપરા કચ્છની પ્રજામાં અષાઢી બીજને એક ઉત્સવ અને પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને પોતાના વ્યવસાયની વિકાસ માટે દરિયાદેવનું પૂજન અર્ચના કરવા બંદરીય ગામોની મહિલાઓ દરિયાલાલને દૂધ ચઢાવે છે તે તથા સાંજે દરિયાકિનારે મેળો ભરી ઉત્સવ ઉજવવામાં આવે છે. માંડવી, મુંદ્રા વગેરે બંદરો ઉપર વહાણોને શણગારી નવી સિઝનમાં દરિયો ખેડવા તૈયાર કરવામાં આવે છે.

આ ઉત્સવ પણ સિંધુ સંસ્કૃતિનો એક ભાગ જ છે. અહિંથી કચ્છના ઉત્સવો પર્વોની શરૂઆત થાય છે. જે દિવાળી સુધી ચાલુ રહે છે. કચ્છીઓ નવી સફર માટે તૈયારી અષાઢી બીજથી કરે છે અને તેથી તેને નવા વર્ષની શરૂઆત ગણી. વર્ષાન્તે ચૈત્ર મહિના સુધીમાં સફરમાંથી પાછા આવવા લાગે છે. દરિયો આ સમય દરમિયાન પોતાના ઘેર રહી કુટુંબ સાથે ઉત્સવો મનાવે છે અને નવી સીઝન માટે વહાણોને તૈયાર કરે છે. આ છે આપણા કચ્છીઓની અસ્મિતા અને પરંપરાનું મહાત્મ્ય. જો કે સમય સાથે બદલાઈ ગયુ છે અને કચ્છમાં હવે પચરંગી બહારની પ્રજાઓ વ્યવસાય માટે આવી ગઈ છે. ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિક તથા કંડલા તથા મુંદ્રા જેવા મહાબંદરોનો વિકાસ કચ્છને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકી દીધુ છે. એટલે અષાઢી બીજને દર વર્ષે સિંધુ સંસ્કૃતિના એક ભાગ તરીકે પરંપરાગત પર્વ - ઉત્સવ તરીકે યાદ કરવો રહ્યો. જૂનો ઈતિહાસ ભૂંસાતો જાય છે અને નવા જમાનાની અસર હેઠળ હવે દરિયાઈ બીચો ઉપર દર શનિ - રવિમાં સહેલાણીમાં ઉમટી પડે છે અને દર અઠવાડીયે ઉજવણી થતી જોવા મળે છે. આ પણ વિકાસ અને પરિવર્તનનો એક ભાગ ગણી શકાય.

વી. જે. ઠાકર

નિવૃત નાયબ મત્સ્યોદ્યોગ નિયામક, મોરબી, મો.૯૪૨૮૨ ૮૧૪૧૭

(11:58 am IST)