સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

મેથળા-સરતાનપર (બંદર) બંધારા માટે સરકારમાં મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યની યોજાયેલ બેઠક

મીઠા પાણીના સંગ્રહ માટે તાત્કાલીક આયોજન કરી કામ શરૂ કરવા તંત્રને અપાયો આદેશ : આર.સી. મકવાણા

ભાવનગર, તા. ૧૩ : તળાજા તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓમાં વધતી જતી ખારાશને રોકવા માટે બંધારાઓ, ચેકડેમો બાંધવા અનિવાર્ય છે. વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની માંગ બાદ આજે ગાંધીનગર ખાતે મેથળા અને સરતાનપર (બંદર) નજીક શેત્રુંજી નદી પર બંધારા બનાવવા માટે ચાર મંત્રીઓ, મહુવા ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

મહુવા વિસ્તારના ધારાસભ્ય આર.સી. મકવાણાએ જણાવ્યું હતું કે, મેથળા અને સરતાનપર (બંદર)ના કાટેલ બારા ખાતે બંધારા બનાવવાના આયોજન માટે ગાંધીનગર ખાતે રાજયના ચાર મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, પરબત પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ તથા સાંસદ ભારતીબેન શિયાળ અને સંબંધીત વિભાગના અધિકારીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં સરતાનપર(બંદર) ખાતે પણ પચાસ કરોડના ખર્ચે ઉડા પાણીને સગ્રહીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને બંધારાનું કામ બને તેટલુ ઝડપી પુરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

મીટીંગમાં મેથળા બંધારા સમિતિના કોઇ સભ્ય હાજર હતા નહીં.

(11:48 am IST)