સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

સોમનાથ મહાદેવ મંદિરના પુજારી વૈશ્વિક આઇકોનીક મંદિર અનુરૂપ ડ્રેસ કોડથી સજ્જ થશે

પ્રભાસપાટણ, તા. ૧૩ : વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવનું દિવ્ય-ભવ્ય મંદિર કરોડો દેશ-વિશ્વસના આસ્થાળુઓનું કેન્દ્ર છે. પ્રત્યક્ષ દર્શને કરોડો દર્શનાર્થીઓ આવતા રહેતા હોય છે. જયારે સોશ્યલ મીડીયા-ઇન્ટરનેટ માધ્યમથી વિશ્વના ખૂણે-ખૂણા સુધી દર્શનાર્થીઓ મંદિર અને તેની ગતિવિધી  નિહાળતા હોય છે તેમાં પણ સોમનાથ ભારતનું આઇકોન મંદિરમાં સમાવિષ્ટ થતાં તેના દરજ્જાને અનુરૂપ આગામી મહિનાઓમાં સોમનાથ મંદિરના પૂજારીઓ હવે આકર્ષક-પ્રભાવિત અને સ્ટાન્ડર્ડ દરજ્જાના ગણવેશમાં નિહાળવા મળશે અને તેના પ્રાથમિક પ્રયોગરૂપે આજે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાતે જયારે આર.એસ.એસ.ના વડા મોહન ભાગવત સોમનાથ આવ્યા હતા. ત્યારે લાઇટ કલરનો પીળો લોંગ ઝબ્બો અને લાઇટ શ્વેત કલર ધોતી સાથે પૂજન વિધી કરાવી હતી.

ટ્રસ્ટે મંદિરના દરજ્જાને અનુરૂપ અને ધાર્મિક પરંપરા-ઋતુ ફેરફાર અનુરૂપ અને સુંદર આકર્ષક-લુક સાથે પ્રભાવિત કરે તેવા ડ્રેસોની ડીઝાઇન કરવાનું અમદાવાદના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનને કામગીરી સોંપી છે જે તજજ્ઞો દ્વારા વિવિધ ડીઝાઇનો તૈયાર કરાઇ રહી છે અને ફાઇનલ ટચ તથા ટ્રસ્ટ તેને સંમતિ આપતા તે પવિત્ર ડ્રેસમાં મુખ્ય મંદિરના પૂજારીઓ દર્શનાર્થીઓને પ્રત્યક્ષરૂપે અને વિજાણુ માધ્યમોને ઇન્ટરનેટ થકી જોવા મળશે. આમ બદલાતા વિશ્વ સાથે પરંપરા જાળવી ટ્રસ્ટ કદમ મિલાવશે અને વૈશ્વિક દરજ્જાનો સાર્થક કરી સજ્જ થશે.

(11:42 am IST)