સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

મોરબીના ચાંચાપર પંથકમાં વરસાદ નહીં વરસતા ખેડુતો ચિંતામાં

ચાંચાપર (મોરબી) તા.૧૩: મોરબી તાલુકાના ચાંચાપર પંથકના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ સંચરાધાર થયો ન હોવાથી ધરતી પુત્રોના જીવ પડીકે બંધાયા છે. આજ દિન સુધી જેટલો વરસાદ વરસ્યો તેબધો ઝરમરીયો-ઝાપટા સ્વરૂપે વરસ્યો છે.

રોહિણી નક્ષત્ર કોરી ધાકોડ ગઇ-આજ દિન સુધી ગામ સોંસરવા પાણી નીકળ્યા નથી !! ખેતરો સંચરાધાર વરસાદ વિના કોરા ધાકોડ પડયા છે!! વાવણીની મુઠ મુકાઇ જ નથી!!

માત્ર એકાદ બે સામાન્ય ઝાપટા પડયા...!! ત્યારપછી આદ્રા નક્ષત્રમાં પણ ઝાપટાં જ પડયા...!!  અત્યારે બીજો જેઠ માસ વિતવાની અણી પર છે. છતાં આકાશમાં વરસાદના કોઇ ચિન્હો જણાતા નથી!! ધરતીપુત્રો કાગની ડોળે વરસાદની રાહ જોઇ રહયાં છે પણ વાલો ઉતરતો નથી. જેથી ખેડુતોને મુંઝવણનો કોઇ આરોવારો નથી.

વાડી પડામાં જેના કુવામાં પાણી છે તેમણે અગાઉ થાપણીયા વાવેતરો કપાસ વિગેરે કરેલ છે. ઉગાવો પણ સારો છે પણ આવા ખેડુતોના કુવામાં પાણી ડુકવા લાગ્યા છે. હવે પાણી વિના કરવું શું?? તેવા સવાલે મુંઝાણા છે.

ચાંચાપર ગામના પાદરમાંથી પરસાર થતી ડેમી નદી પર સકારે ત્રણ ત્રણ ડેમ બાંધેલ છે. (૧) ડેમી ડેમ મિતાણા ડેમ, (ર) ડેમી ડેમ રાજાવડ ડેમ, (૩) ડેમીડેમ કોયલી-ખાનપર ડેમ.

આ ત્રણેય ડેમો ખાલીખમ પડયા છે!! હાલ પાણીને બદલે કાંકરાઉડી રહયા છે!!

કોયલી ગામના વયોવૃધ્ધ આગેવાન અને એ ગામના પુર્વ સરપંચ હીરાભાઇએ જણાવેલ કે, માલધારીઓ પાસે ઘાસચારો થઇ રહયો છે. જાનવરોને કેમ નિભાવવા તે સવાલ ઉભો થયો છે, નદીઓ ખાલીપડી છે!! સીમતળમાં પાણી ભુગર્ભમાં જવા લાગ્યા છે!! ખેડુતોએ ખેતરોમાં થાપણીયા વાવેતરો વરસાદ ટાઇમસર આવશે તેવી હૈયા ધારણા સાથે મોટા પ્રમાણમાં, મોંઘા ભાવના બી-બીયારણ-જંતુનાશક દવાઓ ખરીદી છાંટી લખલૂંટ ખર્ચ કરેલ છે પણ મેઘરાજા ઝાપટા સિવાય મનમુકીને વરસતો નથી. જો બેચાર દિવસમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોને હજારો- કરોડો રૂપીયાની નુકશાની થશે  તો માલધારીઓને દુઝણા જાનવરો મુકવા કયાં? તે સવાલ ઉભો થયો છે.

(10:12 am IST)