સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

એનડીઆરએફની ટીમનું જોડિયા આગમન

સ્થળાંતર કરેલ લોકોની મુલાકાત લેતા કલેકટર : વિવિધ વિસ્તારોમાંથી ગર્ભવતી સ્ત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

જામનગર, તા.૧૩: વાવાઝોડાની સંભવત આફત સામે જામનગર જીલ્લાના તંત્રએ એલર્ટ થઇ ને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સાવચેતીના પગલા લેતા જામનગરના ખિજડીયા, સિંગચ, સરમત, ચેલા અને જોડીયા તાલુકાના વિસ્તારમાંથી સંભવિત અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવી તેમને સુરક્ષિત આશ્રય સ્થળોએ રાખવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના  જોડીયા તાલુકા ખાતે રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા  દ્વારા મામલતદાર કચેરી જોડિયા ખાતે વાવાઝોડાની અસર અંગે તેમજ સ્થળાંતરિત થયેલા લોકોના આશ્રયસ્થાનોની વ્યવસ્થા માટે બેઠક બોલાવી હતી જેમાં મંત્રીશ્રીએ એનડીઆરએફની ટીમ, પોલીસ અધિકારીશ્રીઓ  સાથે સંકલન કરી સૂચનાઓ આપી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી.  

  જોડિયા ગામે કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળામાં સંભવિત અસરગ્રસ્તોને ખસેડવામાં આવેલ છે તેની કલેકટરશ્રી રવિશંકર દ્વારા  સ્થળાંતર કરેલ લોકોની આશ્રય સ્થળે મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી. સ્થળાંતર કરેલ લોકોને કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા ઉપસ્થિત અધિકારીઓને કલેકટરશ્રી રવિશંકર દ્વારા તાકીદ કરવામાં આવેલ હતી.

મામલતદાર કચેરી જોડીયા ખાતે એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી અને વાવાઝોડા દરમિયાનની પરિસ્થિતિને પહોંચી વળવા મામલતદારશ્રી એમ.આર સોની સાથે ચર્ચાઓ કરીને સંભવિત વાવાઝોડાથી થનાર નુકશાન તેમજ બચાવકાર્યને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ કરી રહી છે.

જામનગર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાથી થનાર અસરને ધ્યાને લેતા વિવિધ વિસ્તારોમાંથી ગર્ભવતી સ્ત્રીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવેલ છે જેમાં ખાસ પી.એચ.સી ,સી .એચ .સી અને જેમની ઈ.ડી.ડી. નજીક  છે તેમને જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે રીફર કરવામાં આવેલ છે.

રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની જોડિયા ખાતેની મુલાકાત સમયે ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંધલ અને જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:59 pm IST)