સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ધોરાજી શહેર તાલુકામાંથી ૧૨૩૦ અને ઉપલેટા તાલુકામાંથી ૧૧૯૦ અને જામકંડોરણાના લોકોને સલામત સ્થળે ખસેડાયા..

ધોરાજી હેઠળના ૩૬ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાંથી ૩૫૦૦ લોકોનું : સ્થળાંતરઃ સામાજિક સંસ્થાઓ દ્વારા છ હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયાઃ

ધોરાજી, તા.૧૩: વાયુ નામક વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ધોરાજી પ્રાંત કચેરી ખાતે ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા વિભાગના તમામ વિભાગના અધિકારીઓ સાથે આપાતકાલીન બેઠક યોજાઇ હતી જેમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેના આયોજનો અને ધોરાજી ઉપલેટા માં વિશેષ લોકોને સાબદા કરાયા હતા.

ધોરાજી ડેપ્યુટી કલેકટર ગૌતમ મીયાણી એ જણાવેલ કે ધોરાજી ઉપલેટા જામકંડોરણા વિસ્તારમાં વાવાઝોડા ના કારણે એલર્ટ કરાયું છે ત્યારે ત્રણેય તાલુકાના મુખ્ય અધિકારીઓ સરકાર શ્રી ના વિવિધ વિભાગના કર્મચારીઓ ને તાત્કાલિક મિટિંગ યોજી વાવાઝોડા ને અનુલક્ષી તમામને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો હતો. ધોરાજી અને ઉપલેટાના કુલ ૩૬ ગામોમાંથી નીચાણવાળા વિસ્તારમાં અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાય છે ધોરાજી શહેરી વિસ્તારમાંથી અંદાજે ૩૭૨ તાલુકા વિસ્તારમાંથી ૮૫૭ કુલ મળી ૧૨૩૦ અને ઉપલેટા વિસ્તારમાંથી ૧૧૯૦ જેટલા લોકોને તેમજ જામકંડોરણાના કુલ ત્રણ તાલુકાના ૫૦૦ જેટલા લોકોને ખસેડી સરકારી શાળા તેમજ વિવિધ જ્ઞાતિની વાડી ખાતે ખસેડવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.

આ ઉપરાંત ધોરાજી તાલુકાના સંભવિત અસરગ્રસ્ત ગણી શકાય તેવા સાત ગામો જેમાં ભોળા છાડવાવદર ભોલગામડા સુપેડી ભૂખી વેગડી ઉમરકોટ ગામોનો સમાવેશ થાય છે જયારે ધોરાજીના શહેરી વિસ્તારમાં ફરેણી રોડ અને શફુરા નદીકાંઠે વિસ્તારમાં રહેતા લોકો ને સલામત જગ્યાએ સ્થળાંતર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

વાવાઝોડાની આપાતકાલીન સ્થિતિને જોતા ધોરાજીના સામાજિક અને ધાર્મિક મંડળો દ્વારા ૬૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી ૫૦૦૦ ફૂડ પેકેટ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવશે જયારે એક હજાર ફૂડ પેકેટ ધોરાજીમાં રિઝર્વ રાખવામાં આવશે સંભવિત વાવાઝોડા ને ધ્યાને લઇ ધોરાજી ની સામાજિક સંસ્થાઓ અને યુવક મંડળો હોસ્પિટલો માં જરૂરિયાતની ચીજો તૈયાર રાખવામાં આવી છે આ ઉપરાંત ધોરાજીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ વાયુ વાવાઝોડાને પગલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમાં અનાજ શાકભાજી પેટ્રોલ કેરોસીન સહિત આવશ્યક ચીજ વસ્તુઓ દ્યરમાં એકઠી કરી પોતાની અને દ્યર-પરિવારની સલામતી માટે જાતે જ આગોતરા આયોજનો કરી લીધા હતા.

ધોરાજી ખાતે તમામ કચેરીઓના અધિકારીઓ પોલીસ વિભાગ વીજળી વિભાગ કોમ્યુનિકેશન વિભાગ કંટ્રોલરૂમ તમામ શાળાઓના આચાર્યો શિક્ષકો ને ફરજ પર ગોઠવી દેવાયા છે અને આ ઉપરાંત લશ્કરની એક પ્લાટુન જેમાં ૫૧ આર્મીના જવાનો અને સાથે બચાવની કામગીરી ના સાધનો સાથે ધોરાજી ડિવિઝનમાં ફરજ બજાવશે.

ધોરાજી પ્રાંત કચેરી હેઠળના ધોરાજી ઉપલેટા અને જામકનોણા તાલુકાના તમામ સરકારી વિભાગના કર્મચારીઓ તેમજ તમામ તાલુકામાં કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે.  બે દિવસ સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ છે અને વાવાઝોડા દરમિયાન લોકોએ બહાર  ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

ધોરાજી ઉપલેટા જામકડોરણા ના પોલીસ અધિકારીઓ પણ કામે લાગી ગયા છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તેમને પણ લોકોને ખસેડવાની ભૂમિકા મદદ કરી છે.

તેમજ ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાઈન બોડ ડબલ ઉંચા રાખવામાં આવ્યા હતા જે તાત્કાલિક ઉતારવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

(11:47 am IST)