સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પ૦૦ લોકોનું સ્થળાંતર કરી ગર્લ્સ હાઇસ્કુલમાં ઉતારોઃ વાંકાનેર પાલિકાએ જમાડયા

વાંકાનેર તા. ૧૩ :.. વાંકાનેરમાં પણ અગમચેતીના પગલા સાથે 'વાયુ' વાવાઝાડાથી સાધવ રહેવા ગઇકાલે નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં રીક્ષા સાથે માઇક ફેરવી નગરજનોને માહીતી ગાર કર્યા હતાં.

નિચાણવાળા અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર થઇ જવા સમજાવી અત્રેના દિવાનપરામાં આવેલ નગરપાલીકા સંચાલીત ગર્લ્સ હાઇસ્કુલમાં બપોરથી નગરપાલીકાના વાહનો મારફત લોકોને લાવીને ઉતારો આપી નગરપાલીકા દ્વારા રાત્રે ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ.

રાત્રી સુધીમાં જુદા જુદા નિચાણવાળા વિસ્તારો અને વાવાઝોડાની અસર પહોંચે તેવી ઝૂપટપટ્ટીઓમાંથી પ૦૦ જેટલા લોકોને ગર્લ્સ હાઇસ્કુલમાં ઉતારો આપવામાં આવ્યો છે.

ગર્લ્સ હાઇસ્કુલમાં જીતુભાઇ સોમાણીની દેખરેખ હેઠળ નગરપાલીકાનો સ્ટાફ તથા સાથી નગરસેવકો સેવામાં જોડાયા છે. પ્રાંત અધિકારી વસાવા, મામલતદાર તેમજ મહીલા પીએસઆઇ મોલીયા સહિતના અધિકારીઓ પણ આ સ્થળાંતર થઇને આશરો મેળવી રહેલા લોકોની સેવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ ઉપરાંત અગમચેતીના પગલારૂપે જરૂર પડયે એસ. ટી. ની બસો પણ સેવામાં લેવાશે. ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય સહિત તમામ શિક્ષકો પણ આ સેવા યજ્ઞમાં સામેલ થયા છે.

બીજી બાજુ વાવાઝાડા સામે જરૂરીયાત મંદોને રક્ષણ આપવા તથા ઉતારા માટે વાંકાનેરના યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ પણ હાઇવે ખાતેની ગરાસીયા બોડીંગમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. અને તેની સાથે તેમના સાથી મિત્રો અને રાજકીય ક્ષેત્રના લોકો સાથે રહ્યા છે. ભાટીયા સોસાયટીમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં પણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવા ભાવી યુવકોની ટીમે કંટ્રોલ રૂમ શરૂ કરી પોતાના મોબાઇલ નંબરો સાથેની યાદી સોશ્યલ મીડિયામાં ફરતી કરી છે.

શહેરમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ વચ્ચે બપોરે હળવો વરસાદ પણ આવ્યો હતો.

(11:23 am IST)