સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માલિયાસણમાં રામધામ પાછળના વંડામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ હાથ-મોઢુ જનાવર ખાઇ ગયા

મૃતક રખડતું જીવન જીવતા હોવાનું પોલીસનું પ્રાથમિક તારણઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૩: માલિયાસણમાં રામધામ પાછળના વંડામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. મૃતકના હાથ અને મોઢાનો ભાગ કૂતરા કે અન્ય જનાવરો ખાઇ ગયા છે. મોતનું કારણ જાણવા પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ રામધામ પાછળ વાડી વાવવા રાખનાર રાજેશભાઇ પાનસુરીયાને વંડામાંથી દૂર્ગંધ આવતી હોઇ તપાસ કરતાં અજાણ્યા પુરૂષની લાશ જોવા મળતાં તેમણે સરપંચ હસમુખભાઇ ભુતને જાણ કરતાં તેઓ દોડી ગયા હતાં અને તપાસ કરતાં હાથ-મોઢાનો ભાગ ખવાઇ ગયો હોય તેવી લાશ જોવા મળતાં પોલીસને જાણ કરી હતી. કુવાડવાના પીએસઆઇ આર. કે. રાઠોડ, અંશુમનભાઇ ગઢવી સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસના કહેવા મુજબ મૃતક પુરૂષે કાળુ પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યા છે. પહેરવેશ જોતાં આ વ્યકિત રખડતું જીવન જીવતી હોવાનો અંદાજ આવે છે. મોત કુદરતી રીતે થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન નથી. લાશ ત્રણ ચાર દિવસથી પડી હોવાનું જણાયુ છે. જો કે રિપોર્ટ બાદ મોતનું કારણ ખુલશે. મૃતક કોણ છે? તે અંગે તપાસ થઇ રહી છે.

(11:09 am IST)