સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માંગરોળમાં ૮૩ ના હોનારત બાદ પ્રથમ વખત ૩ મીટર ઉંચે ઉછળતા મોજા

દરિયા કિનારા આસપાસથી લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ વાદળછાંયા વાતાવરણ સાથે ઝાપટારૂપે વરસાદ

માંગરોળ-જુનાગઢ તા. ૧૩ :.. 'વાયુ' વાવાઝોડાના કરંટ રૂપે  જુનાગઢ જીલ્લાના માંગરોળમાં ર થી ૩ મીટર ઉંચા મોજા આજે સવારે ઉછળી રહ્યા છે. હવામાન વિભાગની ચેતવણી બાદ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવતા કોઇ નુકશાન કે જાનહાનીના સમાચાર નથી.

જેથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે.

૧૯૮૩ નાં હોનારત બાદ પ્રથમ વખત દરિયામાં ર થી ૩ મીટર ઉંચા મોજા ઉછળતા  લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

માંગરોળમાં રહેતા અને છેલ્લા પપ વર્ષથી દરીયાનો ખોળો ખૂ઼ંદનારા ખારવા અગ્રણી વેલજીભાઇ મસાણીએ જણાવ્યું હતું કે મારી જીંદગીમાં આવો તોફાની દરિયો કયારેય જોયો નથી. ગોદીથી એક મીટર નીચે દરીયાનું પાણી હોય છે. પરંતુ વાયુ વાવાઝોડાની અસરના પગલે બુધવારે સાંજે દરિયાના પાણીની સપાટી સવા મીટર ઉંચી આવી ગઇ હતી.

જેના કારણે ગોદી પર દરિયાના પાણી ફરી વળ્યા હતાં. દરીયામાં ઉઠતા ઉંચા લોઢ વચ્ચે ગુરૂવારે સવારે ભરતી આવવાની હોવાથી હજુ પણ દરીયાના પાણીની સપાટી ઉંચી આવવાની શકયતા છે. જેને કારણે દરિયાઇ પાણી શહેરના અમુક વિસ્તારોમાં ફરી વળે તેવી શકયતા નકારી શકાતી નથી.

છેલ્લા પપ વર્ષથી દરીયો ખેડતા સાગર ખેડૂત વેલજીભાઇ મસાણીએ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડુ હજુ દરિયામાં ઘણુ દુર છે. છતાં તેની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા ગાંડાતુર બની ગયા છે. વિકરાળ મોજાની થપાટોનો અવાજ પણ સામાન્ય માણસને ગભરાવી દે તેવો છે. હજુ પણ દરિયો વધુ તોફાની બને તેવી શકયતા છે. મારા જીવનકાળમાં આવુ દરિયાનું વિકરાળરૂપ કયારેય જોયુ નથી.

વાવાઝોડાની સંભવત આફત સામે જુનાગઢ જીલ્લાના તંત્રએ એલર્ટ થઇ ને આ સંભવિત પરિસ્થિતિને નિવારી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગમચેતીના પગલા લીધા છે.

જુનાગઢ જિલ્લાના માળિયા અને માંગરોળ વિસ્તારમાં કુલ ૪૬૫ વ્યકિતઓનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

ઙ્ગજૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સમગ્ર સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને જિલ્લાના તમામ કંટ્રોલરૂમ રાઉન્ડઅપ ચાલુ છે.જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે માટે કામગીરી અંગેની બેઠક પણ યોજવામાં આવી છે.

પ્રવાસન અને મત્સયોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા પણ જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ અને એસ.ડી.આર.એફ ની એક ટીમ બોલાવવામાં આવી છે આ ટીમ માંગરોળ ખાતે તેનાત રહેશે અને એક ટીમને જરૂર પડે તે માટે રીઝર્વ રખાશે.

જિલ્લા કલેકટર ડો.સૈારભ પારધી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૈાધરી, એસપી શ્રી સૈારભ સીંઘ, પ્રાંત અધિકારી શ્રી રેખાબા સરવૈયા ,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રાઠોડ, નાયબ માહિતી નિયામકશ્રી રાજુભાઈ જાની માંગરોળ તાલુકાના માંગરોળ બંદર,શીલ બંદર,મુકતુપુર,દિવાસા, સિઅતના દરિયાકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનોને મળી સ્થળાતંર  કરવા અંગે સૂચના આપી હતી. અત્યાર સુધીમાં ૧૯હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ૨૩થી વધુ અસરગ્રસ્ત ગામોમાં તકેદારી રાખવામાં આવી છે.

કલેકટરશ્રી સહિતના  અધિકારીઓએ બંદર વિસ્તાર માં રોડ પર કાચા મકાનોમાં રહેતા લોકોના દ્યરે રૂબરૂ જઈ તેમને વાવાઝોડા અંગે જાણકારી આપી સ્થળાંતરની કામગીરીમાં સહયોગ આપવા અને જયા સ્થળાંતર થશે તે પાકા મકાનોમાં ફૂડપેકેટ અને  અન્ય સુવીધાઓ છે તેમ જણાવ્યું હતુ.ગામડાઓના સરપંચ અને આગેવાનોએ દરેક ગામની સ્થિતિ, પરુ તેમજ માનવ વસતિ તેમજ કાચા પાકા મકાનો અંગેની માહિતી આપવી  જરૂરી મદદ અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરી હતી.

રાજય સરકાર દ્વારા સંભવિત વાવાઝોડા સામે ગામોમાં બંદર વિસ્તારના રહિશોને સલામતી માટે યુદ્ઘના ધોરણે થતી સંવેદનાપૂર્ણ કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

જિલ્લામાં જો જરૂર પડે તો વિવિધ સંસ્થાઓ જેવી ગોરખનાથ આશ્રમ ભવનાથ,ગાયત્રી શકિત પીઠ,ભારતી આશ્રમ,રોટરી કલબ,ખેડૂત હિત રક્ષક સમિતિ, મજદૂર સંધ,સ્વામી નારાયણ મંદિર જવાહર રોડ,મધુર સોશ્યલ ગ્રપ, સ્વામીજી કમંડળ કુંડ મંદિર સહિતની સંસ્થાઓ દ્રારા ૪૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે.

દરમિયાન માંગરોળ અને માળીયા તાલુકામાં બપોર બાદ તેજ પવનની અસર છે. માંગરોળ કેશોદ પર વૃક્ષ ધરાશયી થતા તાત્કાલિક રસ્તો ખુલો કરવાની કામગીરી દસ મીનીટમાં જ કરવામાં આવી હતી.

વધુમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કલેકટર સહિતના  અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવની  સંભવિત કામગીરી,પૂર્ણ તકેદારી તેમજ લેવાનાર પગલા અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

માંગરોળ તાલુકાના બંદર વિસ્તારના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે મીટીંગ કરીને સ્થળાતંર અંગેની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતુ.આ કામગીરી જિલ્લા તંત્ર તાલુકાતંત્રને સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં સહયોગ આપવા અને તકેદારી રાખવા અને આ બાબતને ગંભીરતાથી લેવા પણ જણાવાયું હતું.માંગરોળ બંદર તેમજ શેરીયાજ વાડા શીલ અને બંદર તેમજ મુકતપુર સહિતના ગામોમાં કલેકટર સહિતના આધિકારીઓએ મુલાકાત લીધી હતી અને સ્થળાતંરની ચાલી રહેલી કામગીરીમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.માંગરોળ તાલુકાના આગેવાન શ્રી વેલજીભાઈ મસાણી તેમજ દાનભાઈ ખાંભલા  તેમજ વિવિધ ગામોનાં સરપંચ અને આગેવાનોએ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિની માહિતી મેળવી અધિકારીઓને સહયોગ આપવા અને સ્થળાંતરની કામગીરી પૂર્ણ કરવા જેમાં જોડાવા સહયોગની ખાતરી આપી હતી. (પ-ર૦)

(11:09 am IST)