સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પોરબંદર જીલ્લાના ત્રણેય તાલુકામાં કૃષિ મહોત્સવ

૩ હજારથી વધુ ખેડૂતો જોડાશેઃ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માનઃ કૃષિ માર્ગદર્શન

પોરબંદર, તા.૧૩: તા. ૧૭ જુનના રોજ પોરબંદર જિલ્લાના કુતીયાણા, રાણાવાવ અને પોરબંદર ખાતે એક સાથે કૃષિ મહોત્સવ યોજાશે. કૃષિ મહોત્સવના સુચારૂ આયોજન માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઈ હતી.

   પોરબંદર તાલુકાનો કૃષિ મહોત્સવ માર્કેટીંગ યાર્ડ પોરબંદરમાં, રાણાવાવ માટે સરકારી આર્ટસ કોલેજ રાણાવાવ અને કુતીયાણા તાલુકાનો કૃષિ મહોત્સવ સરકારી હાઈસ્કુલમાં યોજાશે. સવારે ૯ કલાકથી કૃષિ મહોત્સવ શરૂ થશે. ખેડૂતોને ઉપયોગી થવા કૃષિલક્ષી વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

   ત્રણેય તાલુકામા સાથે યોજાનાર કૃષિ મહોત્સવમાં ત્રણ હજાર જેટલા ખેડૂતો સહભાગી થશે. આ ખેડૂતોને કૃષિ બાગાયત તેમજ પશુપાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત સ્થાનીક સ્તરે પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

   કૃષિ મહોત્સવમાં ખેતીવાડી ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર પ્રગતીશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. તેમજ પ્રગતીશીલ ખેડૂતો પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. કૃષિલક્ષી આ કાર્યક્રમોમાં મહત્ત્।મ ખેડૂતો સહભાગી થાય તે અંગે સુચારૂ આયોજન કરાયુ છે. જિલ્લા પંચાયત ખેડીવાડી શાખા સહિત તમામ કચેરીઓ કૃષિ મહોત્સવમાં પ્રદાન આપશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પરમારે કૃષિ મહોત્સવની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી, ખેતીવાડી, પશુપાલન, આરોગ્ય સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૩.૭)

 

(10:17 am IST)