સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

પડધરીના ખાખરાબેલામાં અજીતસિંહ જાડેજાની ક્રુર હત્યા

મૃતક રાત્રે જગદીશસિંહની વાડીએ ગયા'તાને સવારે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળીઃ રૂપીયાની લેતી-દેતી અને જમીન અંગે ડખ્ખો થતા રાજકોટના જગદીશસિંહ સહિત ત્રણ એ પતાવી દીધાની શંકાઃ પડધરી પોલીસ ઘટના સ્થળે

 તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ  જાડેજાનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ મનમોહન બગડાઇ-પડધરી)

રાજકોટ, તા., ૧૩:  પડધરીના ખાખરાબેલા-૧ ગામની વાડીમાં ગરાસીયા આધેડની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર જાગી છે. આ હત્યામાં ખાખરાબેલા ગામના જ વતની અને હાલ રાજકોટ રહેતા ગરાસીયા યુવાન સહિત ૩ ઉપર શંકા સેવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખાખરાબેલા-૬ ગામે રહેતા અજીતસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.પપ)ની ખાખરાબેલા-૧ ગામે આવેલ જગદીશસિંહ શાંતુભા જાડેજાની વાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં લાશ પડી હોવાની જાહેરાત થતા પડધરીના પીએસઆઇ આર.પી.કોડીયાતર તથા પીએસઆઇ એમ.જે.પરમાર સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક અજીતસિંહ જાડેજાને માથામાં અને બંન્ને પડખામાં પ થી ૭ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી પતાવી દેવાયાનું ખુલ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જાડેજાને ગઇકાલે રાત્રે જગદીશસિંહ જાડેજાએ જમીન બાબતે વાત કરવી છે તેવો ફોન કરી વાડીએ બોલાવ્યા હતા અને આજે સવારે સુધી અજીતસિંહ જાડેજા ઘરે પરત ન ફરતા તેના પુત્ર ચંદ્રસિંહ જગદીશસિંહની વાડીએ તપાસ કરવા જતા ત્યાં પિતાની લોહીમાં લથબથ હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ બાદ શંકાના  પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજાનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તેઓ લાપત્તા હોય હત્યામાં તેઓની સડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા છે.

મૃતક  અજીતસિંહ જાડેજા પાસેથી જગદીશસિંહ જાડેજાએ રૂપીયા ઉછીના લીધાનું અને આ રકમની લેતી-દેતીમાં જમીન આપવાની વાતના મુદ્દે બંન્ને વચ્ચે ચડભડ થતા જગદીશસિંહ સહિત ત્રણ શખ્સોએ અજીતસિંહને પતાવી દીધાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યંુ છે. શંકાના પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજા (રહે. મૂળ વતન ખાખરાબેલા, હાલ ગાયત્રીધામ, જામનગર રોડ રાજકોટ) પકડાયા બાદ જ સાચી હકિકત બહાર આવશે.  હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જાડેજાના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે બંન્ને પરીણીત છે. પડધરી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (૪.૧૭)

(3:44 pm IST)