સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ગીર સોમનાથ જિલ્લામા ધર્મના નામે બાળકો પર ક્રુરતા આચરતા ઈસમો સામે સખત કાર્યવાહી કરાશે

પાંચ વર્ષની કેદ અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ

ગીર સોમનાથ, તા.૧૩: ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સમાજ કે સંસ્થાઓમાં પરંપરાગત ધર્મના નામે બાળકો પર ક્રુરતા કરાવનાર કે આચરતા ઈસમો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. બાળકોને ક્રુરતાનો ભોગ બનાવનાર સામે કાયદાની જોગવાઈ મુજબ પાંચ વર્ષની કેદ અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે..

જુવેનાઈલ જસ્ટિસ એકટ ૨૦૧૫ની કલમ-૭૫માં બાળકો સાથે થતી ક્રુરતા સામે પગલા લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં જો કોઈ બાળકનો વાસ્તવિક પ્રભાવ તથા નિયંત્રણ રાખતું હોય તેવા બાળકોને મારકુટ કરે, ત્યજી દે, દુર ઉપયોગ કરે, બાળકને ધિક્કારે, શારીરીક-માનસીક યાતનાઓ પહોંચાડે તેની સામે જુવેનાઈલ જસ્ટીસ એકટ મુજબ ૩ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ સુધીનો દંડ અથવા બન્ને સજાને પાત્ર ઠરશે.

આવી ક્રુરતાનો ભોગ બનેલા બાળકો કોઈ સંસ્થામાં રહેતા હોય અને સંસ્થાના કર્મચારીઓ દ્રારા પણ આવા બાળકો સામે ક્રુરતા આચરવામાં આવેતો તેઓને પાંચ વર્ષ સુધીની સખત કેદ તથા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે. વિવિધ સમાજમાં પરંપરાગત ધર્મના નામે સળગતા કોલસા પર ચલાવવા, બાળ બલી અને ગરમ તેલમાં હાથ નાખવા જેવી વિવિધ ઘટનાઓ જાણે-અજાણે બનતી હોય છે જેમાં ઘણી વખત બાળકોના માતા-પિતા સહિતના લોકો રૂઢીચુસ્તતા કે અંધશ્રધ્ધાથી પ્રેરાઇ ને  સામેલ થતા હોય છે. આવી દ્યટના ગીર સોમનાથ જિલ્લામાં કયાંય પણ બનતી હોવાની જાણ થાય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે તથા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(12:54 pm IST)