સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

હાર્દિક પટેલ કાલે સૌરાષ્ટ્રના પ્રવાસે

રાજકોટ, જુનાગઢ અને કેશોદના અજાબ ગામની મુલાકાત લેશે

રાજકોટ તા. ૧૩ : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને 'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલ કાલે સૌરાષ્ટ્રની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

હાર્દિક પટેલ ગુરૂવારે લાંબા સમય પછી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે છે જેમાં રાજકોટ, જૂનાગઢ અને અજાબની મુલાકાતે આવનાર છે અને તેઓની સાથે સ્થાનિક પાસના અગ્રણીઓ પણ મુલાકાતમાં જોડાનાર છે.

કાલે ગુરૂવારે બપોરે ૧ વાગ્યા આસપાસ હાર્દિક પટેલ પહેલા રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજર થશે. જેમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે નાનામવા વિસ્તારમાં યોજાયેલી સભાની પરવાનગી ન હોય તે મુદ્દે તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો તેથી તે પોલીસ મથકમાં હાજર થશે. ત્યારબાદ હાર્દિક પટેલ વંથલીમાં થઇ રહેલી ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા નયન કલોલાની ખબર અંતર પુછવા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી, કલ્પ હોસ્પિટલમાં જઇ ખબર અંતર પૂછી વંથલી પટેલ સમાજમાં રાખેલી મીટીંગમાં હાજરી આપશે.

ત્યારબાદ કેશોદના અજાબમાં પાટીદાર અનામત આંદોલનના યુવા આંદોલનકારી સાગર ભીમાણીનું નિધન થતાં તેના બેસણામાં પણ હાજરી આપશે. આમ એક જ દિવસમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની મુલાકાત લેવાનો હોય ત્યારે સ્થાનિક પાસના અગ્રણીઓ પણ તેની મુલાકાતમાં મોટીસંખ્યામાં જોડાનાર છે.

(11:39 am IST)