ગોંડલ પાલીકાના ૧૮ કર્મચારીઓની ધરપકડના વિરોધમાં સફાઇ કર્મચારીઓની હડતાલ
૪ માસ પૂર્વેના તોડફોડ કેસમાં ધરપકડ કરાઇ'તીઃ હડતાલ મામલે બપોરે આગેવાનો સાથે મીટીંગ
ગોંડલ તા. ૧૩ : ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે ચાર માસ પહેલા સફાઇ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને અને કાયમી કરવાના પ્રશ્ને રોષે ભરાય તોડફોડ કરવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આઠ મહિલા કર્મચારી સહિત ૧૮ કર્મચારીઓની ધરપકડ કરાતા કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ચાર માસ પહેલા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર અને કાયમી કરવાના પ્રશ્ને રજૂઆત કરાયા બાદ રોષે ભરાઈ આવી પાલિકા કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા આજરોજ વસંતભાઈ છગનભાઈ ગોરી, રાજાભાઈ વિઠ્ઠલભાઈ ગોરી, શંકરભાઈ કાળુભાઈ વાઘેલા, વિનોદભાઈ ચમનભાઈ ગોરી, હિરેનભાઈ ચમનભાઈ ગોરી, બટુકભાઈ દેવજીભાઈ સોલંકી, ધર્મેશભાઈ વસંતભાઈ વાઘેલા, અશ્વિનભાઈ અમુભાઇ વાઘેલા, કપિલભાઈ કાળુભાઈ વાઘેલા તેમજ રાજુભાઈ છગનભાઈ વાઘેલા સહિત આઠ મહિલા કર્મચારીઓ મળી ૧૮ કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટ હવાલે કરાયા હતા.
દરમિયાન સફાઇ કર્મચારીઓના હડતાલ મામલે પાલીકાના પદાધિકારીઓએ સફાઇ કર્મચારી યુનિયનના આગેવાનો સાથે આજે બપોરે મીટીંગ યોજી છે.