સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

૧૮ મીએ લગ્નનું પ્રથમ અને ૧પ જુલાઇએ લગ્નનું અંતિમ મુર્હૂત

કાલથી લગ્ન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ

રાજકોટ, તા.૧૩: ૧પમેના રોજ અધિક મહિનાના પ્રારંભ સાથે વિરામ લીધેલા લગ્નના મુહુર્તોનો કાલે ગુરૂવારથી પ્રારંભ કરાશે. આ સાથે કમૂરતા પૂર્ણ થતાં લગ્નનું પ્રથમ મુહુર્ત ૧૮ જૂનના રોજ રહેશે. જો કે જેઠ મહિનો હોવાથી પરિવારના પ્રથમ સંતાનના લગ્ન જેઠ મહિનામાં વજ્રર્ય છે. આથી પ્રથમ સંતાનના લગ્ન અષાઢ મહિનામાં કરાશે, જે એક દિવસ ૧પ જુલાઇએ અંતિમ મુહુર્ત છે.

લગ્નોની ૧પમેથી બંધ થયેલી મોસમ ગુરૂવારથી ફરી શરૂ થઇ રહી છે. લાંબા સમય બાદ વરસાદમાં શરૂ થયેલી આ સિઝનમાં અંતિમ મુહુર્ત ૧પ જુલાઇનું છે. ત્યારબાદ ફરી છેક ડિસેમ્બર મહિનાથી લગ્નોની મોસમનો પ્રારંભ થશે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે અધિક મહિનાને મળમાસ કહ્યો હોવાથી લગ્નો વર્જ્ય છે. આધિ અધિક જેઠ મહિનામાં વિરામ લીધેલી લગ્નોની સિઝનનો બુધવારી અમાવસ્યા સાથે સમાપન થશે અને ગુરૂવારથી ફરી ઝાકમઝાળ સાથે લગ્નો શરૂ થશે. આ સાથે હવે પછી લગ્નના મુર્હુત માત્ર ૯ દિવસ રહેશે. જેમાં પ્રથમ મુહુર્ત ૧૮ જૂને છે અને અંતિમ મુહુર્ત ૧પ જુલાઇ અષાઢ સુદ ત્રિજના રોજ છે. ત્યારબાદ સૂર્યના કર્ક સંક્રમણને કારણે લગ્નોના મુહુર્ત આવતા નથી. આ સાથે ૨૪ જુલાઇના રોજ દેવશયની એકાદશી સાથે લગ્નોની મોસમનું સમાપન થશે. આ  મોસમ ૭ નવેમ્બરે દીવાળી પછી ૧૯ નવેમ્બરે કારતક સુદ અગિયારસ સાથે લગ્નોની મોસમનો પ્રારંભ થશે, જે ફકત બે દિવસ ૧૨ અને ૧૩ ડિસેમ્બર છે. ત્યારબાદ ૧પ ડિસેમ્બરે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે કમૂરતાનો પ્રારંભ થશે. ત્યારબાદ ૧પ જાન્યુ. પછી નવા વર્ષના લગ્નોના મુહુર્તનો પ્રારંભ થશે. આજે અધિક જેઠ મહિનાની અમાવાસ્યાને કારણે નદી કિનારે ભકતો સ્નાન અને પિતૃતર્પણ માટે ઉમટશે. અમાવાસ્યાનું વિશેષ મહત્વ છે.

(11:25 am IST)