સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

માટીકલાના કારીગરોને રોજગારી આપવા રાજ્ય સરકાર કટીબધ્ધ, કારીગરોના સમૂહને વિનામૂલ્યે ભઠ્ઠી બાંધી અપાશેઃ જયેશ રાદડિયા

જુનાગઢમા માટીકલાના કારીગરોને તાલીમલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. ૧૩ : રાજય સરકાર માટીકલાના તેમજ ગ્રામ્ય વિસ્તારના પરંપરાગત વ્યવસાયકારોને કાયમી રોજગારી મળે તે માટે કટીબધ્ધ છે. રાજયના માટીકલા અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા  દ્વારા કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને ચકાસીને સમુચિત ટેકનોલોજી દ્વારા તથા કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ દ્વારા સ્વરોજગારી મળે તે માટે કામગીરી કરવામાં આવે છે. જૂનાગઢમાં આજે કૃષિ યુનિ.ના ઓડીટોરીયમમાં રાજયના કુટીર ઉદ્યોગ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને માટીકલાના કારીગર ભાઇ બહેનોને સ્વરોજગારલક્ષી તાલીમ અને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં માટીકલાના કારોગરો જુના અને વધારે સમયનો વ્યય કરતા સાધનોની જગ્યાએ આધુનિક અને સગવડતાભર્યા સાધનો અને ઓજારોનો ઉપયોગ કરે તે માટે આધુનિક સાધનોનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. ઇલે. ચાકડો અને પગમીલ  માટે સરકાર   દ્વારા ૭૫ ટકા સબસીડી આપવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.

આ અંગે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર ગામડાના માટીકલાના કારીગરોને કાયમી રોજગારી મળે તે માટે કટીબધ્ધ છે. માટીકલા બોર્ડ દ્વારા શહેર અને ગામડાના કારીગરોને તેમજ અન્ય વ્યવસાય કારોને તાલીમ આપીને રોજગારલક્ષીકીટ વિના મુલ્યે સરકારશ્રી દ્વારા આપે છે. આ યોજનાનો લોકો વધુંને વધું લાભ લે તે માટે કારીગરો સુધી માહિતી મળે તે માટે ઝૂબેશ શરૂ કરવા બોર્ડના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએવધુંમાં જણાવ્યું હતું કે કારોગરોને તાલીમ મળ્યા પછી તેમણે બનાવેલી વસ્તુઓનું વેંચાણ થાય અને પ્લેટફોર્મ મળે તે માટે સરકારશ્રી દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. કારીગરોના આરોગ્યની ચિંતા કરીને સરકારશ્રી દ્વારા આધુનિક અને જોખમ ઘટાડતા સાધનો ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. ચાર કારીગરો વચ્ચે ૧૦૦ ટકા સબસીડી સાથે આધુનિક ભઠ્ઠી સરકારશ્રી  દ્વારા બનાવડાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂ. ૩.૧૮ કરોડના ખર્ચે ૩૩૨ ભઠીનો લાભ ૧૩૨૮ કારીગરોને આપવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાના માટીકલાના કારીગરો સરકારશ્રીની યોજનાનો લાભ લે અને આગેવાનો અને અધિકારીઓ સાથે મળીને આ યોજનાનો લાભ અપાવે તે માટે અનુરોધ કર્યો હતો.

માટીકલા સંસ્થાના ચેરમેન શ્રી દલસુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે , ગયા વર્ષે સંસ્થા દ્વારા ૧૪ હજાર કારીગરોને તાલીમ આપી તેમને કીટ આપવામાં આવી છે. ચાલુ વર્ષે સરકારે ૫૦ હજાર લોકોને તાલીમ આપવાનું નકકી કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષમાં સંસ્થા દ્વારા રૂ.૬૮ કરોડના ખર્ચે કુલ રૂ. ૧.૫૯ લાખ રોજગાર વાચ્છુંઓને રોજગારલક્ષી તાલીમ આપવમાં આવી છે. બીપીએલ તાલીમાર્થીઓને ૪૧ હજાર કીટ આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને રૂ. ૧૫૦૦ સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં  સંસ્થાના ડાયરકેટર શ્રી આર.કે. પટેલે સૌનું સ્વાગત કરી  યોજનાકીય માહિતી આપી હતી.

જૂનાગઢના પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શ્રી દલસુખભાઇ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર શ્રી મોહનભાઇ વાડોલીયા, સુરેશભાઇ પ્રજાપતિ, મેયર આધ્યશકિતબેન મજમુદાર,  શશીકાંતભાઇ ભીમાણી, ભરતભાઇ ગાજીપરા, પુનિતભાઇ શર્મા,જયોતીબેન વાછાણી, ગીરીશભાઇ કોટેચા,  ધીરૂભાઇ ગોહેલ, યોગીભાઇ પઢીયાર, શૈલેષભાઇ દવે, ચંદ્રેશ હેરમા અને અગ્રણીઓ તેમજ  કારીગરો અને પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી વિભાગના શ્રી ચૌહાણે કર્યું હતુ. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ) (૨૧.૪)

(9:52 am IST)