સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

મોરબી ડુપ્લીકેટ રેમડીસીવર કાંડમાં વધુ ત્રણ આરોપીના રીમાન્ડ મંજુર

એમપીમાં ૧ર૦૦ રેમડેસીવીર વેચનારી ત્રિપુટી ઝડપાઇ ડુપ્લીકેટ ઇન્જેકશન કાંડમાં અત્યાર સુધીમાં ર૧ ઝડપાયા

મોરબી, તા. ૧૩ : મોરબી પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશન કાંડ મામલે મોરબી ઉપરાંત અમદાવાદ, સુરત અને વાપી સુધી તપાસ ચલાવી ૧૮ ઇસમોને દબોચી લીધા હોય તો અન્ય ત્રણ ઈસમો એમપીમાં ૧૨૦૦ જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન વેચ્યાનો ખુલાસો થતા ત્રિપુટીને પોલીસે દબોચી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૬ સુધીના રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો હતો

મોરબી જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં મોરબી, અમદાવાદ, સુરત અને વાપી સુધી તપાસ ચલાવી ૧૮ ઇસમોને કરોડોની રોકડ રકમ, ડુપ્લીકેટ ઇન્જેકશન અને સાધનો સહિતના કરોડોનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ૧૮ ઇસમોને ઝડપી લીધા બાદ કોરોના સંક્રમિતને બાદ કરતા અન્ય ઈસમો રિમાન્ડ પર હોય જે રિમાન્ડ દરમિયાન ડુપ્લીકેટ ઇન્જેકશન ગુજરાત બહાર વેચ્યાનો પણ ધડાકો થયો હતો અને ડુપ્લીકેટ ઇન્જેકશન પ્રકરણ રાજ્યવ્યાપી નહિ પરંતુ આંતર રાજ્ય સુધી ફેલાયેલું હોવાનું ખુલ્યું હતું જેના પગલે મોરબી પોલીસે વધુ ત્રણ આરોપીઓ સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા (૩૩) રહે, રીવા અનંતપુર એમપી હાલ રહે, શ્રી યંત્રનગર, રાજા બાગ ભવર કૂવા એમપી, સપન સુરેર્ન્દ્કુમાર જૈન વાણિયા (૩૭) રહે, આશા નગર અધરતાલ જબલપુર એમપી અને કુલદીપ ગોપાલ સાબલિયા જાતે કુમાવત (૨૫) રહે, કેસરપુરી જોશી મહોલ્લા, ઈન્દોર, એમપી વાળાને ઝડપ્યા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આગામી તા. ૧૬ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે અને ત્રિપુટીને લઈને પોલીસ એમપીમાં તપાસ અર્થે ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

(11:54 am IST)