સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

પોરબંદરના પૂર્વ સરકારી વકીલ વલ્લભભાઈ જોષી કોરોના સામેનો જંગ હારી ગયા

ગરીબો અને પીડિત મહિલાઓના કેસ વિનામૂલ્યે લડતા હતાઃ સરકારી વકીલ તરીકે નોંધનીય કામગીરી કરેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :. સીનીયર ધારાશાસ્ત્રી પૂર્વ મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને એડિશનલ પબ્લીક પ્રોસીકયુટર વલ્લભભાઈ જોષીનું કોરોનાની બીમારી દરમિયાન અવસાન થયેલ છે.

સ્વ. વલ્લભભાઈ જોષીએ પોતાની વકીલાતની શરૂઆતમાં પોરબંદરના જૂની પેઢીના ગાંધીવાદી સીનીયર એડવોકેટ પૂર્વ ધારાસભ્ય પી.ડી. કક્કડની વકીલાતની ઓફિસમાં તાલીમ મેળવેલી હતી. તેમણે વકીલાતના વ્યવસાયમાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ પોરબંદર ખાતે મદદનીશ સરકારી વકીલ તરીકે ઉલ્લેખનીય કામગીરી કરેલી હતી.

તેઓ વકીલાતના વ્યવસાયમાં વકીલાતના આગવા મૂલ્યો અને નીતિમત્તાના પોતાના આગવા ખ્યાલને કારણે જ ગરીબો, પીડીત મહિલાઓના કેસમાં નહીવત ફીમાં કેસ લડતા હતા. એટલું જ નહીં ગરીબો, પીડીતો અને મહિલાઓ માટે ઓલિયા સમાન હતા. કાયદાકીય બાબતોમાં ખૂબ જ ઉંડુ નોલેજ હોવા છતા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને માટે તેઓના લગાવના લીધે બીજા વકીલો કરતા તેઓની જુદી જ પ્રતિભા હતી. આવા ગરીબના હમદર્દ વલ્લભાઈની વિદાયના કારણે એક ઉમદા વ્યકિતની સમાજને ખોટ પડેલ છે.

(11:42 am IST)