સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th May 2020

રેડઝોનમાંથી આવનારાઓ જો ધ્યાન નહીં રાખે તો કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંક ૫૦ ને પાર- ડો.કન્નર

ગઈકાલે એક જ દિ'માં ૨૨ હજાર લોકો આવ્યા, ૧૫ માંથી ૮ દર્દીઓ મુંબઈના, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે કરી નિયમ પાલન કરવાની અપીલ

ભુજ, તા.૧૩: કચ્છમાં એક જ દિવસમાં કોરોનાના ૬ દર્દીઓના થયેલા વિસ્ફોટને પગલે લોકોમાં ફફડાટ મચી ગયો છે. કુલ ૧૫ દર્દીઓ પૈકી એક બાજુ દોઢ મહિનામાં માંડ ૬ દર્દીઓ હતા ત્યાં જ મુંબઈથી આવનારા ૮ દર્દીઓ કોરોનાગ્રસ્ત નીકળતા લોકોમાં રેડઝોનમાંથી આવનારાઓ પ્રત્યે ચિંતા છવાઈ છે. ૧૫ પૈકી એક દર્દી મેઘપર બોરીચીનો ગાંજામાં ઝડપાયેલો આરોપી પણ છે. તો, જડસા ગોળીબારમાં ઘવાયેલ હરેશ કોળી અમદાવાદમાં કોરોનાગ્રસ્ત જાહેર થયો છે, પણ તેને કોરોના મુંબઈથી આવેલા તેના ભાઈઓને કારણે સંપર્કમાં આવતા થયો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. 'અકિલા' સાથે વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, જે રીતે રેડઝોનમાંથી લોકોનો ધસારો કચ્છમાં થઈ રહ્યો છે, એ ચિંતાજનક છે. ગઈકાલે એક દિવસમાં ૨૨ હજાર લોકો આવ્યા હોવાનું કહેતા ડો. કન્નરે જણાવ્યું હતું કે, બહારથી આવનારા કોવિડ ૧૯ ના નિયમોનું કડક પાલન કરે. નહીંતો, જે રીતે દર્દીઓ વધી રહ્યા છે, એ જોતાં કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંક ૫૦ ને પાર પહોંચી જશે. ડો. કન્નરે જડસા, બુઢારમોરા, ભુજના કોરોના પોઝિટિવ કેસમાં રેડઝોનમાંથી આવેલાઓએ હોમ કવોરેન્ટાઇનમાં નિયમોનું પાલન નહીં કર્યું હોવાનું ચિંતાભર્યા સુરે જણાવ્યું હતું. જે પરિવારમાં, જે ગામમાં, જે સોસાયટીમાં બહારથી લોકો આવે તેને જાગૃતિ દાખવીને હોમ કવોરેન્ટાઈનમાં રહે તે ધ્યાને રાખવું જોઈએ. તો, બહારથી આવનારા પણ એટલી સમજદારી દાખવે અને હોમ કવોરેન્ટાઈન સહિતના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. કોરોનાના કિસ્સામાં સંક્રમણના કારણે તે ફેલાતો હોઈ કોરોના ફેલાતો અટકાવવા સ્વયં શિસ્ત રાખીને સૌ કવોરેન્ટાઈન, સ્વચ્છતા, માસ્ક અને સોશ્યલ ડિસ્ટનિંગના નિયમનું પાલન કરે તેવી અપીલ કચ્છના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે 'અકિલા' ના માધ્યમથી કરી છે.

(11:50 am IST)