સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

ખંભાળીયામાં ત્રીજે દિવસે પાણી ના મળ્યું

વોટર વર્કસના બે કુવા ડૂકી ગયા...!!: વીજ પુરવઠો કાપ થતાં

ખંભાળીયા તા. ૧૩ :.. શહેરને હાલ ઘી ડેમમાં આવેલ વિવિધ પાણીના બોર, કૂવા તથા નર્મદા ડેમમાંથી આવતા પીવાના પાણીના સ્ત્રોતમાંથી ખંભાળીયા શહેરને ૩ દિવસે એક વખત નિયમિત પાણી પુરૃં પાડવામાં આવે છે તેમાં શનિવારે વીજ કાપ આખો દિવસ થતાં પાણી વિતરણમાં ગાબડું પડતા ત્રીજા દિવસે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જતાં અનેક વિસ્તારો પાણીથી વંચીત રહી ગયા હતાં. પા.પૂ. ઇજનેર મૂકેશભાઇ જાનીનો આ અંગે સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે વીજ પુરવઠો આખો દિવસ બંધ રહેતા પાણીનો જથ્થો ટાંકામાં ના આવી શકતા આવુ થયું છે પણ ધીમેધીમે એક - બે દિવસમાં રેગ્યુલર થઇ જશે. આજે સવારે જેનો પાણીનો વારો હતો તેને સાંજે અથવા તો આવતી કાલે સવારે પાણી મળી જશે.

પાણીનો દેકારોઃ કયાંય પાણી નથી!!

ત્રીજા દિવસે પાણી ના આવતા આજે સવારથી મહીલાઓ પાણી માટે દોડધામ કરવા લાગી હતી. કોઇના બોર તથા ખાનગી કૂવા કે સ્ટોકમાં પાણી હોય ત્યાંથી ન્હાવા તથા પીવાનું પાણી લેવા બેડા લઇને મહીલાઓ નીકળી પડી હતી...!! હાલ પાણીની સ્થિતિ અત્યંત ખરાબ હોય પૈસા દેતા પાણી વેચાતું પાણી જે સહેલાઇથી છકડો કે ટેન્કર મળી જતા તે હવે મળતા નથી આથી લોકો ભારે પરેશાનીમાં  મુકાઇ ગયા હતાં. પીવાનું પાણી મેળવવા મહીલાઓ આંટા મારતી નજરે પડતી હતી. ખંભાળીયાને પીવાનું પાણી પુરૂ પાડતો ઘી ડેમ તળીયા ઝાટક હોય તથા એક માસ નર્મદા નો જ સહારો હોય હાલ નર્મદામાંથી ૩ એમ. એલ. ડી. (૩૦ લાખ લીટર) પાણી આવતું હોય તાજેતરમાં આ અંગે પાલિકા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન શુકલ, ઉપપ્રમુખ પી. એમ. ગઢવી, પાલિકા ચીફ ઓફીસર એ. કે. ગઢવી, ઇજનેર મુકેશ જાની તથા કારોબારી ચેરમેન દીપેશ ગોકાણી દ્વારા પાણી માટેની વ્યવસ્થા મીટીંગમાં મંત્રીશ્રી હકુભા જાડેજાને રજૂઆત કરાતા તેમણે તાકીદે સુચના આપતા ૧ર લાખ પ૦ હજાર લીટર પાણીનો જથ્થો વધુ થયો છે તે સારા સમાચાર છે તો અગાઉ  ફુલવાડી વોટર વર્કસનો કૂવો ડૂબી ગયા પછી ઘી ડેમ વોટર વર્કસના પણ બે કુવા ડૂબી જતાં પાણી સ્ટોક ખતમ થવા લાગ્યા છે.

પાલિકા દ્વારા પ્રયત્નો ચાલુ

પાલિકા ચીફ ઓફીસશ્રી એ. કે. ગઢવી તથા ઇજનેર મુકેશભાઇ જાની દ્વારા પાલિકા સત્તાધીશોના સાથ થી પીવાનું પાણી હાલ જે ૩ દિવસે એક વખત આવે છે તે વરસાદ આવતા સુધી ચાલુ રહે તે માટે તનતોડ પ્રયત્નો કરાઇ રહયા છે તથા ડેમમાં  વધુ બે કુવા તથા બોટ શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે જેથી પાણીની સ્થિતી થોડી હળવી થાય. (પ-ર૪)

(3:43 pm IST)