સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

મિડીયા કર્મચારી ઉપર હુમલો કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા જૂનાગઢ કોંગ્રેસની માંગણી

 જૂનાગઢ, તા. ૧૩ :. જૂનાગઢમાં કાલે પોલીસ દ્વારા મિડીયા કર્મચારી ઉપરના હુમલાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો છે અને જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયા, મહામંત્રી વી.ટી. સીડા, કાર્યાલય મંત્રી મનસુખભાઈ ડોબરીયા સહિતનાએ જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

તેઓએ વધુમાં જણાવ્યુ કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન ભારત દેશના ચોથી જાગીર એવા મીડીયા કર્મીઓ કંઈ સમજે તે પહેલા જ પોલીસે લાઠીઓ વરસાવી. તે મિડીયા કર્મીનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરેલ છે. જે ઘટનાને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને નિંદા કરીએ છીએ. ચોથી જાગીર પર હુમલાની ઘટના એ લોકશાહીની હત્યા બરાબરનું કૃત્ય છે. આમા જવાબદાર પોલીસકર્મીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગણી છે. કોણે આપ્યો હતો લાઠીચાર્જ કરવાનો હુકમ ? શા માટે નિર્દોષ મીડીયા કર્મીઓ પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી ? કોના ઈશારે આ કૃત્ય કરેલ છે ? તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મિડીયાના મિત્રોને ન્યાય મળે તે માટે તેમના આંદોલનને અમારો જાહેર ટેકો છે. તેથી વહેલામાં વહેલી તકે ન્યાય આપવા સંબંધિત વિભાગને આદેશ કરવા અંતમાં માંગ કરી છે.

(3:30 pm IST)