સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

બબ્બે વાર છૂટાછેડા થયેલા રાજકોટની પરિતાબેનની કરૂણતા : ત્રણેય સંતાનોને ગોંડલ બાલાશ્રમે હૂંફ આપી

ગોંડલ તા. ૧૩ : સમાજમાં એવી અનેક જીંદગીઓ કરુણતા વચ્ચે જ જન્મતી હોય અને સમયની ગર્તામાં વિલીન થઇ જતી હોય છે. રાજકોટની 'બાળોતિયાની બળેલી' મહીલા એ જીંદગીનાં બોજીલ અને કપરાં બની ઉઠેલાં સમયે હૃદય ઉપર પત્થર મુકી પોતાનાં ત્રણ સંતાનોને બાલાશ્રમ હવાલે કરતાં બાલાશ્રમ દ્વારા આ સંતાનોને શિળી છાંય સાથે પનાહ આપી હતી.

રાજકોટનાં નવાગામ શકિત સોસાયટીમાં રહેતાં પરીતાબેન કેશવભાઈ દુધરેજીયાનાં પ્રથમ લગ્નથી થયેલ પુત્રી પ્રીતી તથાં બીજા લગ્નથી થયેલાં બે સંતાનો પુત્ર રૂદ્ર તથાં પુત્રી પ્રિયંકાનાં ભવિષ્યને ધ્યાને લઇ અને બાળકોનાં લાલનપાલન માટે નિઃસહાય બનતાં આખરે ગોંડલનાં બાલાશ્રમ હવાલે કરતાં બાલાશ્રમ નાં ચેરમેન અનિતાબેન રાજયગુરૂ તથાં બાલાશ્રમનાં આશ્રીતોએ હુંફભેર મમતાનો પાલવ બિછાવી આ બાળકોને પનાહ આપી હતી. પરીતાબેનનાં પ્રથમ લગ્નથી બે પુત્રીનો જન્મ થયેલ. પતિ સાથે મનદુખ થતાં આખરે છુટાછેડાની નોબત આવી, પતિએ એક પુત્રીની જવાબદારી સ્વીકારી અને બીજી ચાર વર્ષની પુત્રી પ્રીતી પરીતાબેનને સોંપી હતી.

બાદમાં પરીવારની સમજાવટથી પરીતાબેન બીજા લગ્ન કર્યા, જે થકી એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો, અહીં પણ નશીબ બે ડગલાં આગળ હોયતેમ ઘરસંસાર લાંબો નહીં ચાલતાં બીજાં લગ્ન પણ તૂટ્યાં,આમ ત્રણ સંતાનો અને વૃધ્ધ માતા સહીત એક મોટાં ભાઇ ની જવાબદારી આવી પડતાં પરિતાબેનનાં દુઃખનાં દહાડાં શરૂ થવાં પામ્યાં હતાં.

મોટોભાઈ કંઇ કમાતો નાં હોય ભાડાનાં મકાનમાં રહેતાં આ મહીલાએ જીંદગીનાં સંઘર્ષમાં આખરે હારી જઇ કાળજું કઠણ કરી ત્રણેય માસુમ સંતાનોને અહીનાં બાલાશ્રમ હવાલે કર્યા હતાં.

બાલાશ્રમમાં હાલ બાળકો અને વૃધ્ધો સહીતઙ્ગ ૪૮ આશ્રીતો પનાહ લઇ જીંદગી બસર કરી રહ્યા છે. સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીએ સને ૧૮૮૬માં બાલાશ્રમની સ્થાપના કરી હતી જે આજે અનેકનો સહારો બની રહયું છે.

(11:51 am IST)